મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અમેરિકાની દાદાગીરી સામે ભારત ક્યારેય નથી ઝૂક્યું, આપ્યો છે જડબાતોડ જવાબ

અમેરિકાએ ભારતને ટેરિફ કિંગ ગણાવી અન્ય દેશોની તુલનાએ વધુ 25 ટકા ટેરિફ વત્તા પેનલ્ટી લાદવાની જાહેરાત કરી દબાણ

અમેરિકાની દાદાગીરી સામે ભારત ક્યારેય નથી ઝૂક્યું, આપ્યો છે જડબાતોડ જવાબ

અમેરિકાએ ભારતને ટેરિફ કિંગ ગણાવી અન્ય દેશોની તુલનાએ વધુ 25 ટકા ટેરિફ વત્તા પેનલ્ટી લાદવાની જાહેરાત કરી દબાણ સર્જવાનો પ્રયાસ કર્યો છે. જો કે, ભારતે અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપતાં F-35 ફાઈટર જેટ ખરીદવાની ડીલ મોકૂફ કરી છે. આ પહેલી વાર નથી જ્યારે ભારતે અમેરિકાના પ્રહારનો વળતો જવાબ આપ્યો હોય, અગાઉ પણ ભારતે અમેરિકાની દાદાગીરીનો જડબાતોડ જવાબ આપ્યો છે. 

1947માં આઝાદી બાદથી અત્યાર સુધી ભારત દબાણ મુક્ત અને સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી રહ્યું છે. તે પોતાની વિદેશ નીતિમાં સ્વાયત્તતા, અને રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે છે. વૈશ્વિક મહાસત્તા ધરાવતું અમેરિકા વારંવાર ભારત પર પોતાની નીતિઓ લાગુ કરવા માટે આર્થિક, કૂટનીતિ, તથા સૈન્ય દબાણ બનાવવાનો પ્રયાસ કરે છે. તેમ છતાં ભારતે અન્ય મહત્ત્વપૂર્ણ અવસર પર આ દબાણો સામે ઝૂકવાના બદલે પોતાની સ્વતંત્ર વ્યૂહનીતિ અપનાવી છે. યુએસ પોલીસી મેકર્સને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ભારત પોતાની વિદેશ નીતિ અને આર્થિક નીતિ વિદેશી લોકોને ખુશ કરવા માટે નથી ઘડતું.

અમેરિકાની વર્ષોથી આડોડાઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, તે દરમિયાન ભારતની જનતા ભોજન માટે અમેરિકાના ઘઉં પર નિર્ભર હતી. ત્યારે અમેરિકાએ ધમકી આપી કે, યુદ્ધ બંધ કરો નહીં તો ઘઉં રોકી દઈશું. સામે ભારત જવાબ આપે છે કે, રોકી દો, ફરક નથી પડતો. 1999માં પોખરણ પરમાણુ પરિક્ષણો  બાદ અમેરિકાએ ફરી એકવાર ભારત પર આર્થિક અને સૈન્ય પ્રતિબંધ લાદ્યો, પરંતુ તે સમયે પણ ભારત અડગ રહ્યું.

1965નું યુદ્ધ અને અમેરિકાની નજર આપણા ભોજન પર

1962ના ભારત-ચીન યુદ્ધ પછી, ભારતના ખાદ્ય ભંડાર ખૂટવાની અણીએ હતી. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી દેશના વડા પ્રધાન બન્યા, ત્યારે ભારતને ખાદ્ય સુરક્ષાની જાણ નહોતી. દેશમાં ખાદ્ય ચીજોની અછત હતી. ખાદ્ય સંકટ હતું. 1965માં ચોમાસું નબળું રહેતાં દેશ દુષ્કાળનો સામનો કરી રહ્યો હતો. આ સમય દરમિયાન, તકનો લાભ લઈને પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો.  5 ઓગસ્ટ, 1965ના રોજ ૩૦ હજાર પાકિસ્તાની સૈનિકો LOC પાર કરીને કાશ્મીરમાં પ્રવેશ્યા હતા, અને ભીષણ યુદ્ધ શરૂ થયું. ભારતીય સેના લાહોર પહોંચી હતી. આ સમયે અમેરિકા પીએલ-480 સ્કીમ હેઠળ ઘઉંનો સપ્લાય કરતો હતો. 

તે સમયે અમેરિકાના રિપોર્ટમાં ભારતના ખાદ્ય સંકટની ચર્ચા થઈ અને કહ્યું કે, 'ભારતના નેતાઓ પીએલ-480ના કટઑફથી ડરી રહ્યા છે. જો આ શિપમેન્ટ બંધ કરવામાં આવે તો ભારત ગંભીર સંકટનો સામનો કરશે. ભારત આત્મનિર્ભર બનવા માટે પૂરતા પ્રમાણમાં અનાજ ઉગાડતું નથી, તેનો તાજેતરનો પાક ખૂબ જ ખરાબ રહ્યો છે.' જેથી યુદ્ધ દરમિયાન યુએસ પ્રમુખ લિન્ડન જોહ્ન્સનને શાસ્ત્રીજીને ધમકી આપી હતી કે જો યુદ્ધ બંધ નહીં થાય, તો યુએસ ઘઉં મોકલવાનું બંધ કરશે. તમને જણાવી દઈએ કે આ તે સમય હતો જ્યારે ભારતમાં કૃષિ ક્રાંતિ થઈ ન હતી. બીજા વિશ્વયુદ્ધમાંથી બહાર નીકળેલા વિશ્વભરના દેશોમાં ખોરાકની અછત હતી. ભારતની સામે 48 કરોડ લોકોને ખવડાવવાનો પડકાર હતો. જોહ્ન્સનની ધમકીથી ડર્યા વિના, ભારતના તત્કાલીન પીએમ લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું, ઘઉં સપ્લાય બંધ કરી દો. એટલું જ નહીં, તેમણે અમેરિકાથી ઘઉં લેવાનો પણ સ્પષ્ટ ઇનકાર કર્યો.

અમેરિકાના પડકારનો જવાબ આ રીતે આપ્યો

શાસ્ત્રીજીએ રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભરતા માટે હાકલ કરી. એક પ્રખ્યાત કિસ્સો છે જે મુજબ શાસ્ત્રીજીએ તેમની પત્નીને એક દિવસ માટે ખોરાક ન રાંધવા કહ્યું હતું, કારણ કે તેઓ જોવા માંગતા હતા કે ખોરાક વિના કોઈ કેવી રીતે જીવી શકે છે, જેથી દેશની સ્થિતિ સમજી શકાય. શાસ્ત્રીજીએ 'જય જવાન, જય કિસાન' નું સૂત્ર આપ્યું અને દેશને ખાદ્ય આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી. ઓક્ટોબર 1965માં, દશેરાના દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં એક રેલી યોજાઈ હતી. આ રેલીમાં, શાસ્ત્રીએ પહેલી વાર 'જય જવાન જય કિસાન'નો નારા લગાવ્યો. લાલ બહાદુર શાસ્ત્રીએ લોકોને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ રાખવા કહ્યું, એટલું જ નહીં, તેમણે પોતે પણ ઉપવાસ કરવાનું શરૂ કર્યું. આ દર્શાવે છે કે અમેરિકન દબાણ છતાં, ભારતે તેની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખી અને લાંબા ગાળાની ખાદ્ય સુરક્ષા માટે પગલાં લીધાં.

1974માં પણ લાદ્યો હતો પ્રતિબંધ

વર્ષ 1974માં ઈન્દિરા ગાંધીના નેતૃત્વ દરમિયાન પ્રથમ પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે અમેરિકાએ ભારત પર પ્રતિબંધ લાદ્યો હતો. પોખરણ-I પરમાણુ પરિક્ષણ બાદ અમેરિકાએ ભારત પર પરમાણુ ઈંધણનો પુરવઠો, ટેક્નિકલ સહયોગ, આર્થિક સહાયતા પર પ્રતિબંધ લાદ્યો હતો. આ પ્રતિબંધ ભારતની પરમાણુ અપ્રસાર સંધિ હેઠળ લાવવા અને પરમાણુ કાર્યક્રમને સીમિત કરવાના ઉદ્દેશ સાથે લગાવવામાં આવ્યા હતાં. જો કે, ભારતે ઝૂક્યા વિના અમેરિકાને આકરો જવાબ આપ્યો હતો.

1998નું પરમાણુ પરિક્ષણ

જ્યારે ભારતે 1998માં પોખરણમાં પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કર્યું, ત્યારે અમેરિકાએ ફરીથી તેનું વર્ચસ્વ બતાવવાનું શરૂ કર્યું. 11 અને 13 મે, 1998ના રોજ, ભારતે પોખરણ ટેસ્ટ રેન્જમાં પાંચ પરમાણુ પરીક્ષણો કર્યા, જે પોખરણ-II (ઓપરેશન શક્તિ) તરીકે ઓળખાતું હતું. આ પરીક્ષણો ભારતને વિશ્વ સમક્ષ પરમાણુ શક્તિ તરીકે સ્થાપિત કરવા માટે હતા. બીજા વિશ્વયુદ્ધમાં જાપાન પર બે પરમાણુ બોમ્બ ફેંકનાર અમેરિકા આ પરીક્ષણથી નારાજ હતું. તેણે ભારત પર પ્રતિબંધો લાદ્યા. આ પ્રતિબંધો ગ્લેન સુધારા હેઠળ લાદવામાં આવ્યા હતા જે 1994ના આર્મ્સ એક્સપોર્ટ કંટ્રોલ એક્ટનો એક ભાગ હતો. જેમાં શસ્ત્રોના વેચાણ માટેના લાયસન્સ રદ કરવાનો સમાવેશ થાય છે. યુએસ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્ક (EXIM) અને ઓવરસીઝ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (OPIC) દ્વારા નવી લોન અને ક્રેડિટ ગેરંટી બંધ કરવામાં આવી. અને વર્લ્ડ બેન્ક તરફથી ભારતને અપાતી બિન-માનવતાવાદી લોનનો વિરોધ કર્યો.

અટલ બિહારી ઝૂક્યા નહીં

તે સમયે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અમેરિકાના આ પ્રતિબંધો સામે ઝૂક્યા ન હતાં. તેમણે સ્પષ્ટ કહ્યું કે, પરમાણુ પરિક્ષણ અમારી રાષ્ટ્ર સુરક્ષા માટે જરૂરી છે. ખાસ કરીને જ્યારે ભારતના પડોશી દેશ પાકિસ્તાન અને ચીન જેવા હોય. થોડા દિવસ બાદ ભારતે અમેરિકા સાથે વેપાર કૂટનીતિ પર ચર્ચા શરૂ કરી. અને ભારત પોતાની પરમાણુ નીતિ પર અડગ રહ્યું. વર્ષ 1999 સુધી અમેરિકાએ મુકેલા લગભગ તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા. અમેરિકાને લાગ્યું કે, ભારતને એકલું પાડવાની નીતિ અસરકારક રહી નથી. વર્ષ 2000માં પ્રમુખ બિલ ક્લિન્ટનની ભારત યાત્રાએ બંને દેશો વચ્ચે સંબંધોને સામાન્ય બનાવવા મહત્ત્વની ભૂમિકા ભજવી.

25% ટેરિફનું દબાણ

હવે જાન્યુઆરીથી જુલાઈ સુધી લાંબી વાટાઘાટો પછી, યુએસ પ્રમુખ ટ્રમ્પે ભારતમાંથી યુએસમાં થતી નિકાસ પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ 7 ઓગસ્ટથી અમલમાં આવશે. આ વખતે પણ, ભારત યુએસ વેપાર કરારની મનસ્વી શરતો સ્વીકારી રહ્યું નથી. ભારતના વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે ભારત યુએસ પર બદલો લેવાના ટેરિફ લાદશે નહીં, પરંતુ ભારતીય વેપારીઓના હિતોનું રક્ષણ કરવા માટે તમામ પગલાં લેશે. અમેરિકાએ આ ટેરિફ ભારતના રશિયા સાથેના વેપાર સંબંધોના કારણે લાદ્યો હોવાનું કારણ આપ્યું છે.

આ સમાચાર શેર કરો