મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઈન્કમટેક્સની રેડમાં 70 હજાર કરોડની ટેક્સચોરી ઝડપાઈ, હૈદરાબાદના અનેક પોપ્યુલર બિરિયાની આઉટલેટ ઝડપાયા

હૈદરાબાદમાં કેટલાક લોકપ્રિય બિરયાની આઉટલેટ્સ આવકવેરાની રડારમાં આવ્યા છે. ગત વર્ષે નવેમ્બરમા

ઈન્કમટેક્સની રેડમાં 70 હજાર કરોડની ટેક્સચોરી ઝડપાઈ, હૈદરાબાદના અનેક પોપ્યુલર બિરિયાની આઉટલેટ ઝડપાયા

હૈદરાબાદમાં કેટલાક લોકપ્રિય બિરયાની આઉટલેટ્સ આવકવેરાની રડારમાં આવ્યા છે. ગત વર્ષે નવેમ્બરમાં દરોડા પાડ્યા બાદ આવકવેરા વિભાગની તપાસમાં આ આઉટલેટ્સ પર વ્યાપક નાણાકીય ગેરરીતિઓ જોવા મળી છે. તપાસમાં હવે 2019-20ના નાણાકીય વર્ષથી દેશભરમાં ખાણીપીણી સેક્ટરમાં આશરે ₹70,000 કરોડની કરચોરીના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ થયો છે. અધિકારીઓ બિલિંગ સોફ્ટવેર અને ડિજિટલ પેમેન્ટ ટ્રેલ્સમાં સંભવિત હેરાફેરીની પણ તપાસ કરી રહ્યા છે, જેમાં થર્ડ પાર્ટી એકાઉન્ટ થકી ડાયવર્ટ કરાયેલા UPI ટ્રાન્જેક્શનનો સમાવેશ થાય છે. ડેટા વિશ્લેષણ અને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ટેક્સ ડિમાન્ડ, પેનલ્ટી ને સંભવિત કાર્યવાહી સહિત વધુ કાર્યવાહીની અપેક્ષા છે.

સમગ્ર શહેરમાં એકસાથે સર્ચ ઓપરેશન

18 અને 19 નવેમ્બર 2025 ના રોજ આવકવેરા અધિકારીઓએ સમગ્ર શહેરમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હૈદરાબાદની જાણીતી ફૂડ ચેઇન પિસ્તા હાઉસ, શાહ ગૌસ કાફે અને મહેફિલને  ટાર્ગેટ કરવામાં આવી હતી. આ ચેઇન હૈદરાબાદ, અન્ય ભારતીય શહેરો અને દુબઈ સહિત વિદેશમાં અનેક આઉટલેટ્સ ચલાવે છે. આવકવેરા વિભાગની લગભગ 50 ટીમોએ હૈદરાબાદમાં આશરે 15 મુખ્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા ફક્ત રેસ્ટોરન્ટ પરિસર પૂરતા મર્યાદિત ન હતા; તેમાં હોટલ જૂથ સાથે સંકળાયેલા ચેરમેન, ડિરેક્ટરો અને અન્ય મુખ્ય મેનેજમેન્ટ સ્ટાફના ઘરોનો પણ સમાવેશ થતો હતો.

આઉટલેટ્સ સેંકડો કરોડનો વ્યવસાય

સૂત્રોનું કહેવું છે કે, દરોડા દરમિયાન એકત્રિત કરેલા પુરાવાઓના આધારે અધિકારીઓ વેચાણ, નાણાકીય અનિયમિતતાઓ અને બિનહિસાબી આવકના આરોપોની તપાસ કરી રહ્યા છે. પ્રારંભિક તપાસ મુજબ ત્રણેય ચેઇન મળીને વાર્ષિક સેંકડો કરોડનો વ્યવસાય કરે છે. દરોડા દરમિયાન તપાસકર્તા અધિકારીઓએ આશરે ₹6 કરોડ રોકડ જપ્ત કરી હતી અને વધુ તપાસ માટે ડિજિટલ રેકોર્ડ, બિલિંગ ડેટા અને ફાઈનાન્શિયલ ડોક્યુમેન્ટ એકત્રિત કર્યા હતા.

શરૂઆતમાં આ કાર્યવાહી એક રૂટીન ટેક્સ વેરિફિકેશન લાગતું હતું પરંતુ એ પછી એક મોટી તપાસમાં ફેરવાઈ ગયું. અધિકારીઓએ જાહેર કરાયેલી આવક અને વાસ્તવિક વ્યવહારો વચ્ચેની વિસંગતતાઓને ટ્રેક કરવા માટે દસેક ટેરાબાઇટ જેટલા ડિજિટલ બિલિંગ ડેટાનું વિશ્લેષણ કર્યાના અહેવાલ છે.

આ સમાચાર શેર કરો