જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, સત્સંગમાં જઈ રહેલા 3 લોકોના મોત, 45 ઘાયલ, મોટા ભાગના હતા વડીલ
Rajasthan News | રાજસ્થાનના અલવર જિલ્લામાં બુધવારે સવારે દિલ્હી-જયપુર નેશનલ હાઇવે-

Rajasthan News | રાજસ્થાનના અલવર જિલ્લામાં બુધવારે સવારે દિલ્હી-જયપુર નેશનલ હાઇવે-48 પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. જેમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ઘણાની હાલત નાજુક છે એટલે મૃત્યુઆંક પણ વધી શકે છે.
અકસ્માત સમયે 46 મુસાફરો બસમાં હાજર હતા...
મળતી માહિતી મુજબ સ્લીપર બસ અજમેરથી દિલ્હી જઈ રહી હતી. જેમાં મુસાફરો સત્સંગમાં હાજરી આપવા જતા હતા. કોટપુતલી પોલીસ સ્ટેશન ઓફિસર રાજેશ શર્માના જણાવ્યા અનુસાર, બસ આગળ જઈ રહેલી ટ્રોલી સાથે અથડાયા બાદ આ ભયાનક અકસ્માત થયો હતો. ઘટના બાદ બસના તમામ ઘાયલ મુસાફરોને સરકારી BDM જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી ગંભીર રીતે ઘાયલ 17 મુસાફરોને જયપુર રિફર કરવામાં આવ્યા હતા.
મૃતકોની ઓળખ અલવરની રહેવાસી માયા, બેવરની રહેવાસી સુનીતા સાહુ અને જયપુરના રહેવાસી બસ ડ્રાઈવર વિશાલ શર્મા તરીકે થઈ છે. કલેક્ટર કલ્પના અગ્રવાલે જણાવ્યું કે બસમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના મુસાફરો અજમેરની આસપાસના હતા. સત્સંગ માટે એક સાથે ત્રણ-ચાર બસો નીકળી હતી, જેમાંથી એક બસને અકસ્માત નડ્યો હતો.
બધા મુસાફરો ઊંઘતા હતા અને અચાનક ધડાકાભેર ટક્કર થઇ
બસમાં મુસાફરી કરી રહેલા ઘાયલ લોકોએ જણાવ્યું કે અમે સવારે લગભગ 7.30 વાગ્યે બસમાં સૂઈ રહ્યા હતા. ત્યારે જોરદાર વિસ્ફોટ થયો અને અમે જોયું કે બસની ટ્રક સાથે ટક્કર થઇ હતી. ત્યારપછી બસમાં મુસાફરી કરી રહેલી મહિલાઓ અને બાળકોમાં ચીસાચીસ મચી ગઇ હતી. પૂરપાટ ઝડપે બસ દોડતી હોવાને કારણે જ અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે.








