નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની નિયુક્તિને લઇને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, જાણો શું છે કારણ

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ 26 જાન્યુઆરી 2029 સુધીનો હશે. રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ રિટાયર થઇ રહ્યાં છે. 19 ફેબ્રુઆરીએ જ્ઞાનેશ કુમાર CECનું પદ સંભાળશે.
આ અંગે જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ-2023ની કલમ 4 ની સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. જ્ઞાનેશ કુમારના સ્થાને ડૉ. વિવેક જોશી હવે ચૂંટણી કમિશનર બનશે.
કોણ છે જ્ઞાનેશ કુમાર?
મહત્ત્વપૂર્ણ છે કે જ્ઞાનેશ કુમાર 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી છે. ગત વર્ષે માર્ચથી તે ચૂંટણી કમિશનરના પદ પર છે. જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવાના નોટિફિકેશન વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અસહમતિ વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને આ મામલે સુનાવણીને કારણે બેઠક સ્થગિત કરવાની માંગ કરી હતી.
મોદી સરકારે બદલ્યો હતો કાયદો
મહત્ત્વપૂર્ણ છે કે, ગયા વર્ષે કેન્દ્ર સરકારે સંસદમાંથી એક કાયદો પસાર કર્યો હતો અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની પેનલમાંથી ભારતના મુખ્ય ન્યાયાધીશને બાકાત રાખ્યા હતા. અગાઉ, મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક વરિષ્ઠતાના આધારે કરવામાં આવતી હતી અને પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. પરંતુ કેન્દ્ર સરકારે આ કાયદામાં ફેરફાર કર્યો હતો. હવે CEC અને ECની નિમણૂક (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ 2023 ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવે છે.
મુખ્ય ન્યાયાધીશને CEC નિમણૂક પ્રક્રિયાથી દૂર રાખવાના મુદ્દા પર વિપક્ષ પ્રહાર કરી રહ્યો છે. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી પક્ષોનો આરોપ છે કે કેન્દ્ર સરકારના આ પગલાથી પારદર્શિતા ખતમ થઈ જશે. મુખ્ય ન્યાયાધીશને હટાવવા અને કેન્દ્રના આ નવા કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ કેમ ઉઠાવ્યા સવાલ
PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ નવા CECની નિમણૂક સામે વિરોધ નોંધાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ નિમણૂક પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના આદેશની ભાવના વિરુદ્ધ છે. રાહુલ ગાંધીએ પણ વિરોધ પત્ર સુપરત કર્યો. કોંગ્રેસ વતી કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ 19 ફેબ્રુઆરીએ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની પેનલમાંથી CJI ને બાકાત રાખવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. તેથી, નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટેની બેઠક સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી યોજવી જોઇએ.

