Video: ‘અમને ગદ્દાર કહેનારા હવે સામે આવીને ચર્ચા કરે!’ કોંગ્રેસ નેતાના આકરા તેવરથી રાજકારણમાં ગરમાવો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલા ખુલ્લી ચર્ચા (ડિબેટ)ના પડકાર મુદ્દે રાજકીય પારો ગરમાયો છે. કેરળના તિરુવનંતપુરમ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા અને પૂછ્યું હતું કે વડાપ્રધાન ચર્ચા, સંવાદ અને પ્રેસ કોન્ફરન્સથી કેમ દૂર ભાગી રહ્યા છે.
કે. સી. વેણુગોપાલે જણાવ્યું કે, "રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ડિબેટ માટે પડકારી રહ્યા છે, કારણ કે જ્યારે પણ તક મળે છે ત્યારે વડાપ્રધાન અમને ‘ગદ્દાર’ કે ‘દેશવિરોધી’ કહીને અપમાનિત કરે છે. તેથી, આ દેશમાં સાચા ‘દેશવિરોધી’ કોણ છે તે સાબિત કરવા અમે સંપૂર્ણ તૈયાર છીએ."
‘રાહુલ ગાંધી તૈયાર છે, તમે કેમ ડરી રહ્યા છો?’
કોંગ્રેસ નેતાએ સીધો સવાલ કરતાં ઉમેર્યું કે, "રાહુલ ગાંધી કોઈપણ મંચ પર ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર છે અને વારંવાર ડિબેટની માગણી કરી રહ્યા છે. તો પછી વડાપ્રધાન ભાગી કેમ રહ્યા છે? પીએમ મોદી દેશના મહત્વના મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા, સંવાદ કે પ્રેસ કોન્ફરન્સનો સામનો કરવાથી કેમ ખચકાય છે?"






