7 રાજ્યોની મહિલાઓને રૂ. 20થી 30 હજારની લાલચ, હૈદરાબાદમાં એગ ડોનેશન રેકેટનો પર્દાફાશ

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિલાઓને પૈસાની લાલચ આપીને એગ ડોનેશન (Egg Donation) માટે લાવવાના કથિત આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ 43 મહિલાઓને બચાવવામાં આવી છે, જ્યારે આ કેસમાં હોસ્ટેલ સંચાલક સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ નેટવર્કમાં સામેલ અન્ય લોકો અને સંભવિત મેડિકલ સંસ્થાઓની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
સાત રાજ્યોમાંથી મહિલાઓને લાવ્યાનો આરોપ
પોલીસના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, દિલ્હી, આસામ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા સહિત સાત રાજ્યોની મહિલાઓને આ નેટવર્કમાં સામેલ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. આ પૈકી આર્થિક મુશ્કેલીનો સામનો કરતી 15 મહિલાઓને દરેક એગ ડોનેશન પ્રક્રિયા (Egg Donation Cycle) માટે રૂ. 20,000થી રૂ. 30,000 આપવાની લાલચ આપવામાં આવી હતી અને તેમને હૈદરાબાદ લાવવામાં આવી હતી. આ કથિત રેકેટનો પર્દાફાશ સરુર્નગર વિસ્તારમાં કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીમાં થયો હતો. વેંકટેશ્વર કોલોનીમાં આવેલી શેટ્ટી વર્કિંગ વુમન્સ હોસ્ટેલમાંથી આ પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી મળ્યા બાદ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રકાશ નગર, બેગમપેટ, એરૂગડ્ડા અને ગોપાલપુરમ સહિતના વિસ્તારોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
દરોડામાં હોર્મોનલ ઇન્જેક્શન અને દવાઓ મળી
પોલીસે દરોડા દરમિયાન હોર્મોનલ ઇન્જેક્શન (Hormonal Injections), ગોળીઓ, સિરીંજ, સોય, દસ્તાવેજો અને મોબાઇલ ફોન સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી કેટલીક દવાઓ અને સિરીંજને તપાસ માટે ગાંધી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. તેના મેડિકલ રિપોર્ટના આધારે આ સ્થળે કથિત ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી કે નહીં તે સ્પષ્ટ થઈ શકશે.
IVF સેન્ટરોની ભૂમિકાની પણ તપાસ
તપાસ એજન્સીઓ મહિલાઓની સંમતિ લેવામાં આવી હતી કે નહીં, જરૂરી તબીબી સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં અને સંબંધિત ફર્ટિલિટી સેન્ટરો પાસે જરૂરી નોંધણી હતી કે નહીં તેની તપાસ કરી રહી છે. સાથે જ મેડિકલ રેકોર્ડ, નાણાકીય વ્યવહારો અને આઈવીએફ (IVF) સેન્ટરો તથા આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (ART) બેન્કો સાથેના સંભવિત સંબંધોની પણ તપાસ ચાલી રહી છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી કાયદા, 2021 હેઠળ ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર નેટવર્કની હકીકત અને તેમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા સ્પષ્ટ થશે.





