Video: ‘દર ત્રણ મહિને વિદેશ જઈને કોને મળો છો?’ ભાજપ સાંસદ બોમ્મઈએ રાહુલ ગાંધીની પોલ ખોલી!

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવતા પ્રહારો સામે ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી તથા સાંસદ બસવરાજ બોમ્મઈએ આકરો વળતો પ્રહાર કર્યો છે. કર્ણાટકના હાવેરી ખાતે પત્રકારો સાથે વાતચીતમાં બોમ્મઈએ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો અને તેમના કથિત સંબંધો પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
બસવરાજ બોમ્મઈએ જણાવ્યું કે, "રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે, જેઓ આ દેશના 'નંબર વન' દેશભક્ત છે. મોદીજીની પ્રમાણિકતા અને સમર્પણ આખા દેશની જનતા સારી રીતે જાણે છે. તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરી દીધું છે."
‘પોતાની કરતૂતો છુપાવવા પીએમ પર આરોપો લગાવી રહ્યા છે રાહુલ’
રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કરતાં ભાજપ સાંસદે ઉમેર્યું કે, "બીજી તરફ રાહુલ ગાંધી દર ત્રણ મહિને વિદેશ પ્રવાસે જાય છે અને જ્યોર્જ સોરોસ જેવા વ્યક્તિઓને મળે છે, જેઓ તેમના આંદોલનો અને વિરોધ પ્રદર્શનોને ફંડિંગ પૂરું પાડી રહ્યા છે. રાહુલ ગાંધી પોતાની આ કરતૂતો પર પડદો પાડવા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પાયાવિહોણા આરોપો લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."








