પતિ ચોરી કરે, પત્ની સોનું વેચે અને પુત્ર હિસાબ રાખે! કેન્દ્રીય મંત્રીના ઘર સહિત 100 ઘરોમાં ચોરી કરનારો કરોડપતિ ચોર પટનાથી ઝડપાયો

બિહારની રાજધાની પટનામાં છેલ્લા ૧૨ વર્ષથી ચોરીની ઘટનાઓને અંજામ આપતો દિનેશ કુમાર ઉર્ફે 'લંગડા' આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. પટનાની શાસ્ત્રીનગર પોલીસે દિનેશ લંગડા સહિત તેની પત્ની અને પુત્રની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવેલી વિગતોએ પોલીસ અધિકારીઓને પણ ચોંકાવી દીધા છે. સામાન્ય દેખાતા આ ચોરે કોઈ ગુનાહિત ગેંગ વિના માત્ર પોતાના પરિવારની મદદથી ચોરીના પૈસા વડે પટનાથી લઈને મુંબઈ સુધી કરોડોની સંપત્તિ ઊભી કરી લીધી હતી.
કેન્દ્રીય મંત્રીના આવાસ સહિત ૧૦૦થી વધુ ઘરોમાં ચોરી
પોલીસના જણાવ્યા અનુસાર, દિનેશ ઉર્ફે લંગડા છેલ્લા એક દાયકાથી વધુ સમયથી ચોરીના ગુનામાં સક્રિય હતો. તે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના સરકારી આવાસ સહિત ૧૦૦થી વધુ હાઈ-પ્રોફાઈલ ઘરો અને બંગલાઓને નિશાન બનાવી ચૂક્યો છે. અગાઉ પૂરતા પુરાવાના અભાવે તે જામીન પર છૂટી ગયો હતો, પરંતુ જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે ફરી ચોરી શરૂ કરી દીધી હતી.
ચોરીનું અનોખું ફેમિલી મોડેલ: પત્ની વેચતી અને પુત્ર હિસાબ રાખતો
દિનેશે કોઈ બહારના ગુંડા કે સાથીદારો રાખવાને બદલે ચોરીને પારિવારિક વ્યવસાય બનાવી દીધો હતો. ઘરોની રેકી કરવી અને તાળાં તોડીને કિંમતી સોના-ચાંદીના ઘરેણાં ચોરવાની જવાબદારી દિનેશ પોતે સંભાળતો. ચોરી કરેલા સોના-ચાંદીના દાગીનાને બજારમાં યોગ્ય ભાવે વેચી રોકડમાં ફેરવવાનું કામ સંભાળતી હતી. ચોરીમાંથી મળેલા તમામ રોકડ નાણાં, સોનાના વજન અને આવક-જાવકનો હિસાબ-કિતાબ રાખતો હતો.
સોશિયલ મીડિયા પર રેકી અને સાંજે ૪ થી ૬ માં મોટો ખેલ
દિનેશ ચોરી કરવા માટે અત્યંત આધુનિક રીત અપનાવતો હતો. તે ખાસ કરીને અમીર પરિવારોની મહિલાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખતો હતો. લગ્નપ્રસંગો કે તહેવારોમાં મહિલાઓએ પહેરેલા કિંમતી દાગીનાના ફોટા જોઈને તે જે-તે પરિવારની આર્થિક સ્થિતિનો અંદાજ લગાવતો.
તે ચોરી માટે હંમેશા સાંજે ૪ થી ૬ વાગ્યાનો સમય પસંદ કરતો, કારણ કે તે સમયે પુરુષો ઓફિસે હોય અને મહિલાઓ સામાન્ય રીતે ખરીદી કે ફરવા બહાર નીકળી હોય, જેથી મકાન ખાલી મળવાની શક્યતા સૌથી વધુ રહેતી.
પટનામાં બે અને મુંબઈમાં એક લક્ઝુરિયસ ફ્લેટ
ચોરીની કમાણીથી દિનેશે પટનામાં બે આલીશાન ફ્લેટ અને મુંબઈમાં એક ફ્લેટ ખરીદ્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ સમગ્ર પરિવાર મોજશોખ કરવા અને પ્રવાસ માટે બહાર નીકળી જતો હતો. પોલીસે હાલ ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને તેમની બેનામી તથા ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવાની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.













