Video: દિશા સાલિયાન અને સુશાંત કેસમાં સૌથી મોટો વિસ્ફોટ: રિયા ચક્રવર્તી-આદિત્ય ઠાકરેની ચેટ્સ મળી હોવાનો દાવો, 18 નવેમ્બરે CBI કોર્ટમાં સુનાવણી!

સોર્સ: gstv

દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના શંકાસ્પદ મૃત્યુના કેસમાં ફરી એકવાર મોટો રાજકીય અને કાનૂની ગરમાવો આવી ગયો છે. થાણે ખાતે પત્રકારો સાથે વાતચીતમાં વકીલ નિલેશ ઓઝાએ આ ઘટનાને સામાન્ય આત્મહત્યા નહીં પરંતુ "ગેંગરેપ અને મર્ડર" ગણાવતાં અનેક અગ્રણી વ્યક્તિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

સુપ્રીમ કોર્ટની જોગવાઈ હેઠળ CBI કોર્ટમાં અરજી દાખલ

જાહેરાત

એડવોકેટ નિલેશ ઓઝાએ જણાવ્યું હતું કે, "આ કેસને છ વર્ષ જેટલો સમય વીતી ગયો છે, છતાં ત્રણ મુખ્ય સાક્ષીઓના નિવેદનો 60 દિવસની નિર્ધારિત સમયમર્યાદામાં નોંધવામાં આવ્યા નહોતા. આ પરિસ્થિતિ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. સુપ્રીમ કોર્ટની એવી કાનૂની જોગવાઈ છે કે પીડિત પક્ષ કોર્ટ આ કિસ્સામાં CBI કોર્ટ સમક્ષ તપાસની સીધી દેખરેખ માટે અરજી કરી શકે છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો રજૂ કર્યા બાદ, કોર્ટે અમારી અરજી સ્વીકારીને કેસ રજીસ્ટર કર્યો છે અને આગામી 18 નવેમ્બરે તેની સુનાવણી નિયત કરી છે."

મોબાઈલ લોકેશન અને મોટા નામોની સંડોવણીનો દાવો

તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, હાઈકોર્ટના આદેશો મુજબ આદિત્ય ઠાકરે, ડીનો મોરિયા અને સૂરજ પંચોલી જેવા વ્યક્તિઓના મોબાઈલ લોકેશન ડેટા સહિતની મહત્ત્વની વિગતો રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, બે ચોક્કસ પોલીસ અધિકારીઓના નિવેદનો નોંધવાની માંગણી કરવા છતાં હજુ સુધી તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી, જેના કારણે તપાસની નિષ્પક્ષતા સામે સવાલો ઊભા થયા છે.

સુશાંત સિંહ મર્ડર પ્લાનિંગ અને ચેટ્સ રિકવર થયાનો આરોપ

વકીલ ઓઝાએ સનસનાટીપૂર્ણ આક્ષેપ કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતના કથિત મર્ડર પ્લાનિંગ સંબંધિત ચેટ્સ તેમજ રિયા ચક્રવર્તી અને આદિત્ય ઠાકરે વચ્ચેની વાતચીતની ચેટ્સ રિકવર થઈ છે, જે તમામ રેકોર્ડ્સની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે.

19 નવેમ્બરે આઝાદ મેદાનમાં આંદોલનનું એલાન

ન્યાયની માંગને દેશવ્યાપી લોકઆંદોલન બનાવવાની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે, "દિશા સાલિયાન કેસમાં ન્યાય સુનિશ્ચિત કરવા અમે 19 નવેમ્બરના રોજ સાંજે 4:00 વાગ્યે મુંબઈના આઝાદ મેદાન ખાતે એકત્ર થઈશું. આ મામલે દેશભરના તમામ સંસદસભ્યો (MPs)ને પત્રો મોકલવામાં આવ્યા છે. અમે તમામ જનપ્રતિનિધિઓને આહ્વાન કરીએ છીએ કે તેઓ આગળ આવે, પોતાના પ્રભાવનો ઉપયોગ કરી નિષ્પક્ષ CBI તપાસની માંગને સમર્થન આપે અને દેશમાં મહિલાઓની સુરક્ષા તેમજ નશામુક્ત ભારતના નિર્માણમાં સાથ આપે."

આ સમાચાર શેર કરો

જાહેરાત