મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Guillain Barrie Syndrome/ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત, 140 એક્ટિવ કેસ; થયો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં ગુલિયન-બેરી સિન્ડ્રોમ (Guillain Barrie Syndrome) એટલે કે GBSના કાર

Guillain Barrie Syndrome/ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત, 140 એક્ટિવ કેસ; થયો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં ગુલિયન-બેરી સિન્ડ્રોમ (Guillain Barrie Syndrome) એટલે કે GBSના કારણે શંકાસ્પદ મોતોની સંખ્યા વધીને 4 થઈ ગઈ છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં જ અત્યાર સુધીમાં શંકાસ્પદ એક્ટિવ કેસોની સંખ્યા 140 થઈ ગઈ છે. તેમાંથી 98માં GBSની પુષ્ટિ પણ થઈ ચૂકી છે. આરોગ્ય અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે. 

ચોથો શંકાસ્પદ વ્યક્તિ મહારાષ્ટ્રના સિંહગઢ રોડના ધાયરી વિસ્તારનો હોવાની માહિતી મળી છે, તેમની ઉંમર 60 વર્ષ હતી. 31 જાન્યુઆરીના રોજ તેમનું મોત થઈ ગયું હતું. પૂણે નગર નિગમના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, વ્યક્તિને ઝાડા અને નીચલા અંગોમાં નબળાઈ હતી. 27 જાન્યુઆરીના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોનું કહેવું છે કે, કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું મોત થઈ ગયું છે. 

140 શંકાસ્પદ દર્દીઓમાંથી 98 દર્દીઓમાં GBSની પુષ્ટિ 

બીજી તરફ  30 જાન્યુઆરીના રોજ એક 36 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું. આ મૃત્યુ પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ હોસ્પિટલમાં થયું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ન્યુમોનિયાને કારણે પીડિતનું શ્વસનતંત્ર યોગ્ય રીતે કામ નહોતું કરી રહ્યું. મહારાષ્ટ્રના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 140 શંકાસ્પદ દર્દીઓમાંથી 98 દર્દીઓમાં GBSની પુષ્ટિ થઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલ સત્તાવાર રિલીઝમાં માહિતી આપવામાં આવી છે. 

8 પાણીના સ્ત્રોતના સેમ્પલ દૂષિત મળી આવ્યા

આનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, રાજ્યમાં મોટા ભાગના કેસ પૂણે અને આસપાસના વિસ્તારમાં જ નોંધાયા છે. 31 જાન્યુઆરીના રોજ નવો કેસ નથી નોંધાયો. અધિકારીઓનું કહેવું છે કે, પૂણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 160 પાણીના સેમ્પલ કેમિકલ અને બાયોલોજિકલ એનાલિસિસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેમાંથી 8 પાણીના સ્ત્રોતના સેમ્પલ દૂષિત મળી આવ્યા છે.

બેક્ટેરિયાનું વધુ પ્રમાણ GBS સંક્રમણનું કારણ બની શકે 

આ અંગે માહિચી મળી છે કે, સિંહગઢ રોડ વિસ્તારમાં સ્થિત કેટલાક ખાનગી બોરવેલમાંથી મેળવેલા નમૂનાઓમાંથી એકમાં એસ્ચેરીચિયા કોલી અથવા ઈ-કોલી બેક્ટેરિયા મળી આવ્યા છે. પીએમસી પાણી પુરવઠા વિભાગના પ્રમુખ નંદકિશોર જગતાપે આ વાતની પુષ્ટિ કરી છે.  પાણીમાં ઈ-કોલીનું મળી આવવું એ મળ અથવા પ્રાણીઓના કચરાના દૂષણનો સંકેત છે અને બેક્ટેરિયાનું વધુ પ્રમાણ GBS સંક્રમણનું કારણ બની શકે છે.

બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવાનો નિર્દેશ

નાંદેડ, કિરકટવાડી, ધાયરી અને સિંહગઢ રોડ પરના અન્ય વિસ્તારોમાં GBSના કેસોમાં વધારો થયા બાદ પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી) તપાસ માટે બોરવેલ અને કુવાઓમાંથી પાણીના સેમ્પલ એકત્રિત કરી રહી છે. નંદકિશોર જગતાપે જણાવ્યું કે, બે દિવસ પહેલા પ્રાઈવેટ ટ્યુબવેલ અને બોરવેલ સંચાલકોની એક બેઠક મળી હતી. તેમને બેક્ટેરિયાને નિયંત્રિત કરવા માટે પીએમસી દ્વારા પૂરા પાડવામાં આવેલા બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

ગુલિયન-બેરી સિન્ડ્રોમ એક દુર્લભ ન્યુરોલોજીકલ બીમારી

ગુલિયન-બેરી સિન્ડ્રોમ એક દુર્લભ ન્યુરોલોજીકલ બીમારી છે. સામાન્ય રીતે તેના કેસો જોવા નથી મળતા. ડોક્ટરોના મતે આમાં પેરિફેરલ નર્વસ સિસ્ટમ (Peripheral Nervous System) ડેમેજ થઈ જાય છે. આના કારણે હાથ અને પગમાં નબળાઈ આવવા લાગે છે. કારણ કે આ એક ગંભીર ન્યુરોલોજીકલ બીમારી છે. આવી સ્થિતિમાં જો GBS નું સમયસર તપાસ અને સારવાર કરવામાં આવે તો દર્દી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે.

આ સમાચાર શેર કરો