ગંગોત્રી દર્શને જઈ રહેલા ગુજરાતીઓ સાથે ગોઝારી ઘટના! ઈનોવા કાર ગંગામાં ખાબકી, 4નાં મોત, 2 ગુમ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઇવે પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. ગુરુવારે સવારે ગંગનાની નજીક એક ઈનોવા કાર અચાનક કંટ્રોલ ગુમાવી બેસતા ઊંડી ખીણમાં વહેતી ગંગા નદીમાં ખાબકી હતી. આ કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાંથી અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સિવાય બે લોકો નદીના તેજ વહેણમાં લાપતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતના સાબરમતી વિસ્તારના હતા તમામ મુસાફરો
પ્રારંભિક માહિતી અનુસાર, ઈનોવા કારમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના સાબરમતી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો ઉત્તરકાશીથી ગંગોત્રી ધામ તરફ દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે ગંગનાનીમાં ગરમકુંડથી આશરે 20 મીટર આગળ ડબરાની તરફ આ દુર્ઘટના ઘટી હતી. હાલ પ્રશાસન દ્વારા તમામ યાત્રીઓના નામ, સરનામા અને સત્તાવાર ઓળખની પુષ્ટિ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન અને શોધખોળ ચાલુ
અકસ્માતની જાણ થતાં જ ઉત્તરકાશીના જિલ્લાધિકારી પ્રશાંત આર્યના નિર્દેશ પર રાહત અને બચાવ ટુકડીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. સ્થાનિક પોલીસ, SDRF અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યૂ ટીમે નદી કિનારેથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. નદીના સખત વહેણમાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે જળ પોલીસ અને ડાઇવર્સ (ગોતાખોર) સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મનેરાથી NDRFની 27 સભ્યોની ટીમ પણ સ્થળ પર રવાના કરવામાં આવી છે.
તમામ ટીમો એલર્ટ પર, અકસ્માતનું કારણ અસ્પષ્ટ
આ ઘટના બાદ સ્થાનિક આપદા પ્રબંધન કેન્દ્ર અને મેડિકલ ટીમને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેથી કોઈપણ ઘાયલ વ્યક્તિ મળે ત્યારે તેને તાત્કાલિક યોગ્ય સારવાર આપી શકાય. પ્રશાસનિક સ્તરે સમગ્ર ઘટના પર સતત નજર રાખવામાં આવી રહી છે. કાર અનિયંત્રિત થઈને નદીમાં કેવી રીતે ખાબકી તે અંગે અકસ્માતના સાચા કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.











