છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ ગંગા નદી, જળ અને અન્ન સુરક્ષા જોખમાઇ : અભ્યાસ
Ganga river dries up to unprecedented extent in last three decades, Study | Ganga River News : ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-આઇ

Ganga River News : ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-આઇઆઇટીના સંશાધકોએ કરેલાં અભ્યાસમાં જણાયું છે કે તેરસો વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ રહી હોવાથી તેના તટ પ્રદેશમાં રહેતાં લાખો લોકોની જળ અને અન્ન સુરક્ષા જોખમાઇ રહી છે. આ અભ્યાસના તારણો નેશનલ એકેડમી ઓફ સાયન્સીઝની જર્નલ પ્રોસિડિંગ્ઝમાં પ્રકાશિત થયા છે જે દર્શાવે છે કે 1991થી 2020ના સમયગાળામાં ગંગા જે રીતે સૂકાઇ છે તે છેલ્લા 1000 વર્ષના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.
1300 વર્ષના જળપ્રવાહ મોડેલ્સની રચના
આઇઆઇટી-ગાંધીનગર અને યુએસની એરિઝોન યુનિવર્સિટીના સંશોધકોએ ગંગાની સૂકાવાની ઘટનાને નૈરૂત્યના ચોમાસામાં ઘટી રહેલાં વરસાદ સાથે સાંકળી છે. સંશોધકોની ટીમે ઐતિહાસિક રેકોર્ડઝ અને 1991થી 2020 દરમ્યાન જળપ્રવાહના મોડેલ્સનો ઉપયોગ કરી છેલ્લા 1300 વર્ષના જળપ્રવાહ મોડેલ્સની રચના કરી હતી.
સંશોધકોના જણાવ્યા અનુસાર 1990 ના દાયકાથી ગંગાના સૂકાવાને કારણે 16 મી સદીના દુકાળ કરતાં 76 ટકા વધારે આકરાં દુકાળો વારંવાર પડયા છે. 1951 થી 2020 દરમ્યાન કુલ વાર્ષિક વરસાદમાં પણ તેને કારણે 9.5 ટકા ઘટાડો અંદાજવામાં આવ્યો છે. જે ભારતના પશ્ચિમ પ્રાંતમાં વરસાદનો 30 ટકાનો ઘટાડો દર્શાવે છે.
ઉત્તર ભારતમાં ચોમાસું નબળું
સંશોધકોએ ઉમેર્યું હતું કે જળવાયુપરિવર્તનને કારણે વરસાદ વધવાની ધારણાં હોવા છતાં ભારતીય મહાસાગર ઝડપથી હુંફાળો થઇ જતાં અને ઉપખંડમાં પ્રમાણમાં ઓછું ગરમ વાતાવરણ પ્રવર્તવાના પરિણામે ઉત્તર ભારતમાં ચોમાસું નબળું પડી ગયું છે. તેમાં પણ વરસાદ ઓછો પડવાથી ભૂગર્ભ જળસ્રોતો પણ સૂકાઇ રહ્યા હોવાથી તથા સિંચાઇના સ્રોતો ઝડપથી ઘટી રહ્યા હોઇ તેના કારણે પણ ગંગાના સૂકાવા પર અસર પડી રહી છે. અગાઉના અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યું હતું કે જળવાયુપરિવર્તનને કારણે હિમશીલાઓ પીગળવાથી અને વરસાદ વધારે પડવાથી ગંગા નદીના તટપ્રદેશમાં જળપ્રવાહ વધશે. ચોમાસામાં વરસાદના પડવાને અસર કરતાં અન્ય પરિબળોને સાંકળતા વધુ અભ્યાસો કરવાની જરૂર છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સંશોધકોએ તેમના અભ્યાસના આધારે માંડેલા અંદાજ અનુસાર સૌથી વધારે ગંગાના સૂકાવાનું પ્રમાણ 1991 થી 2020 માં જણાયું છે, બીજા ક્રમે આવી રીતે ગંગાના સૂકાવાની ઘટના 1501 થી 1503 દરમ્યાન બની હશે. જ્યારે ત્રીજા ક્રમે ગંગાના સૂકાવાના સમયગાળો 1344 થી 1373 રહ્યો હશે.







