EVMમાં પહેલીવાર ઉમેદવારનો કલર ફોટોગ્રાફ્સ હશે, બિહાર વિધાનસભા ચૂંટણીથી નવી શરૂઆત
ચૂંટણી પંચે ચૂંટણી માટે એક નવી પહેલની જાહેરાત કરી છે કે હવે EVM મશીનોમાં ઉમેદવારોના નામ અ

ચૂંટણી પંચે ચૂંટણી માટે એક નવી પહેલની જાહેરાત કરી છે કે હવે EVM મશીનોમાં ઉમેદવારોના નામ અને ચૂંટણી પ્રતીકોની સાથે તેમના રંગીન ફોટોગ્રાફ્સ પણ જોવા મળશે. આ નવી શરૂઆત બિહાર વિધાનસભા ચૂંટણીથી થવા જઈ રહી છે.
ચૂંટણી પંચે કહ્યું કે, ઉમેદવારોના નામ સમાન હોવાને કારણે મતદારો ઘણીવાર મૂંઝવણમાં મુકાયા છે. આના ઉકેલ માટે હવે ચૂંટણી લડતા ઉમેદવારનો રંગીન ફોટોગ્રાફ પણ EVM પર લગાવવામાં આવશે.જેથી મતદારો તેમના મનપસંદ ઉમેદવારને યોગ્ય રીતે ઓળખીને તેને મત આપી શકશે. બિહારમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આવતા મહિને (ઓક્ટોબર) ગમે ત્યારે જાહેર થઈ શકે છે.
ભારતીય ચૂંટણી પંચે કહ્યું કે, EVMમાં ઓળખ સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધારવા માટે ચૂંટણી આચાર નિયમો, 1961 ના નિયમ 49B હેઠળ હાલના માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. EVM ઉમેદવારોના ફોટા રંગીન છાપવામાં આવશે. વધુ સારી દૃશ્યતા માટે ઉમેદવારનો ચહેરો ફોટાના ત્રણ-ચતુર્થાંશ ભાગ જેટલો હશે. ઉમેદવાર/NOTA સીરીયલ નંબરો આંતરરાષ્ટ્રીય ભારતીય અંકોમાં છાપવામાં આવશે. ફોન્ટનું કદ 30 અને સ્પષ્ટતા માટે બોલ્ડ હશે. બધા ઉમેદવારો/NOTA નામો એક જ ફોન્ટ પ્રકારમાં અને સરળતાથી વાંચી શકાય તેટલા મોટી સાઈઝના છાપવામાં આવશે.
EVM બેલેટ પેપરના ગેજ - વજન પણ ચૂંટણી પંચે નક્કી કર્યા છે. બેલેટ પેપર 70 GSM હશે. વિધાનસભા ચૂંટણીઓ માટે ખાસ ગુલાબી કાગળનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી પંચ આગામી બિહાર વિધાનસભા ચૂંટણીઓ સાથે આ નવા સુધારા- ફેરફારો લાગુ કરવા જઈ રહ્યું છે. આ પ્રક્રિયા પછીની બધી ચૂંટણીઓમાં અનુસરવામાં આવશે.






