મુંબઈથી અમેરિકા જતી ફ્લાઈટમાં અધવચ્ચે જ ગરબડ! 3 કલાક રહી હવામાં, પાછું ફર્યું વિમાન
મુંબઈથી અમેરિકાના નેવાર્ક માટે ઉડાન ભરેલી એર ઈન્ડિયાની ફ

મુંબઈથી અમેરિકાના નેવાર્ક માટે ઉડાન ભરેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI191 માં બુધવારે સવારે ટેકનિકલ ખામી સર્જાતા તેને મુંબઈ પાછી વાળવાની ફરજ પડી હતી. બોઈંગ 777 વિમાને રાત્રે લગભગ 1:30 વાગ્યે ઉડાન ભરી હતી, પરંતુ ત્રણ કલાકથી વધુ સમય હવામાં રહ્યા બાદ તેને મુંબઈમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.
એર ઈન્ડિયાએ આ ઘટના અંગે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, "ફ્લાઈટ AI191 ના ચાલક દળે શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે વિમાનને મુંબઈ પાછું લાવવાનો નિર્ણય કર્યો હતો. વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે અને હાલ તેની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે."
એર ઈન્ડિયાએ રદ કરી ફ્લાઈટ
આ ઘટનાને કારણે, એર ઈન્ડિયાએ ફ્લાઈટ AI191 (મુંબઈથી નેવાર્ક) અને તેની રીટર્ન ફ્લાઈટ AI144 (નેવાર્કથી મુંબઈ) બંનેને રદ કરી દીધી છે. એરલાઈને જણાવ્યું કે મુંબઈમાં પ્રભાવિત થયેલા મુસાફરો માટે હોટલની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને એર ઈન્ડિયા અથવા અન્ય એરલાઈન્સની વૈકલ્પિક ફ્લાઈટમાં રી-બુક કરવામાં આવ્યા છે.
તે જ સમયે, નેવાર્કમાં ફસાયેલા મુસાફરોને પણ ફ્લાઈટ રદ થવાની જાણ કરી દેવામાં આવી છે અને તેમના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે, ફ્લાઈટમાં કેટલા મુસાફરો સવાર હતા તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.






