સૈફ અલી ખાન પર હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે, હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ નોંધાઇ ફરિયાદ
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલો કરનારની પ્રથમ તસવીર સામે આવી છે. સૈફ અલી ખાન પર તેના ઘરમાં અજાણ્યા હુમલ

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલો કરનારની પ્રથમ તસવીર સામે આવી છે. સૈફ અલી ખાન પર તેના ઘરમાં અજાણ્યા હુમલાખોરે છરીના ઘા મારીને હુમલો કર્યો હતો. હુમલા બાદ સૈફ અલી ખાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સૈફ પર હુમલો કરનારા પર હત્યાના પ્રયાસનો કેસ
સૈફ પર હુમલો કરનારા આરોપી પર BNSની કલમ 109 હેઠળ હત્યાના પ્રયાસનો કેસ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ટ્રેસ પાસિંગની કલમો પણ કેસમાં સામેલ કરાઈ છે.
ઘરકામ કરનારી મહિલાએ પણ નોંધાવી ફરિયાદ
PTIના અનુસાર, સૈફ અલી ખાનની ઘરકામ કરનારી મહિલાએ અજાણ્યા ઘૂસણખોરો વિરૂદ્ધ પોલીસમાં હત્યાના પ્રયાસ અને ઘૂસણખોરીની ફરિયાદ નોંધાવી છે.
સૈફ પર હુમલા અંગે મુખ્યમંત્રી ફડણવીસે શું કહ્યું?
સૈફ અલી ખાન પર હુમલા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ અંગે પોલીસે માહિતી આપી છે. આ કઈ પ્રકારનો હુમલો છે તમામ માહિતી પોલીસે આપી છે. એવું કહેવું કે મુંબઈ અસુરક્ષિત છે તે ખોટું છે.
સ્ટાફ મેમ્બરનો ઓળખીતો હોવાનો દાવો
સૂત્રોના હવાલાથી મળતી માહિતી અનુસાર સૈફ પર હુમલો કરનાર શખ્સ કોઈ સ્ટાફ મેમ્બરનો ઓળખીતો જ હતો અને એની મદદથી જ તે ઘરમાં પ્રવેશ્યો હતો. પોલીસે ઘરના સીસીટીવી ચકાસ્યા પણ તે અંદર આવતો દેખાયો નથી. હાલમાં સૈફના ઘરમાં ફ્લોરિંગના પોલિશિંગની કામગીરી ચાલી રહી હતી. એના માટે આવેલા મજૂરોની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. મુંબઈ પોલીસે સૈફનું નિવેદન પણ નોંધ્યું છે.
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીક્ષિતે આપી માહિતી
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીક્ષિત ગેદામે કહ્યું કે સૈફ અલી ખાન પર રાતના 2 વાગ્યાની આજુબાજુ ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાળકોના રૂમમાં બની હતી. સૈફ અલી બાંદ્રામાં પરિવાર સાથે રહે છે અને તેમનું એપાર્ટમેન્ટ સાતમા માળે છે. અમે આ મામલે સૈફ અલી ખાનના ઘરે કામ કરતી મહિલા સ્ટાફની અટકાયત કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મહિલા કર્મીને પણ હુમલા વખતે ઈજા થઇ હતી.
શું છે ઘટના?
સૈફ અલી ખાન પર તેના ઘરમાં મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરે ચાકુથી હુમલો કર્યો હતો.સૂત્રો અનુસાર સૌથી પહેલા બાળકોની નૈનીએ અવાજ સાંભળ્યો અને તે જાગી ગઇ હતી. આ દરમિયાન તમામને બચાવવા માટે સૈફ અલી ખાને હુમલાખોરને પકડવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરે સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કર્યો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. હુમલા બાદ સૈફને લીલાવતી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.








