"અમને માફ કરો, પણ અમારા ઘરે પગ ન મૂકતા": માનસામાં રાહુલ ગાંધીના આગમન પહેલાં શહીદ એક્ટિવિસ્ટના પરિવારનું આકરું વલણ!

પંજાબના માનસા જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ ચલાવનાર અને તાજેતરમાં હત્યાનો ભોગ બનેલા જાણીતા એન્ટી-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિન્દર સિંહ ‘ઝોટા’ના પિતાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આકરી અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાહુલ ગાંધી અથવા ગાંધી-નેહરુ પરિવારનો કોઈ પણ સભ્ય તેમના ઘરે કે પરિવારને મળવા ન આવે.
"હાથ જોડીને વિનંતી છે, અમને માફ કરો પણ અહીં ન આવો"
રાહુલ ગાંધીના સંભવિત પંજાબ અને માનસા પ્રવાસ અગાઉ પરવિન્દર સિંહ ઝોટાના પિતાએ એક નિવેદન જારી કરતાં જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધી સાથે અમારે કોઈ અંગત વેર કે દુશ્મની નથી. પરંતુ મારી એક નમ્ર વિનંતી છે—રાહુલ ગાંધીજી, તમે નેહરુ-ગાંધી પરિવાર અને ઇન્દિરા ગાંધીના પરિવારમાંથી આવો છો. આપણા વચ્ચે જે પણ મતભેદો કે ફરિયાદો રહી હોય, હું હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરીને અમને માફ કરો, પરંતુ અમારા ઘરે કે પરિવાર પાસે આવશો નહીં."
કોણ હતા પરવિન્દર સિંહ ઝોટા?
42 વર્ષીય પરવિન્દર સિંહ ઝોટા રાજ્ય કક્ષાના પૂર્વ બોક્સર હતા. યુવાનીમાં તેઓ પોતે નશાની લતમાં ફસાયા હતા, પરંતુ મિત્રના ઓવરડોઝથી થયેલા મોત બાદ તેમણે નશો છોડીને પંજાબમાં 'નશા રોકો, રોજગાર દો' અભિયાન શરૂ કર્યું હતું. તેઓ પોતાના સમર્થકો સાથે ગેરકાયદે કેમિસ્ટ શોપ્સ અને નશાના સોદાગરો સામે સીધો મોરચો માંડતા હતા, જેના કારણે તેઓ પંજાબમાં નશામુક્તિનો એક મોટો ચહેરો બની ગયા હતા.
ફેસબુક લાઈવ દરમિયાન થઈ હતી ઘાતકી હત્યા
ગત 13 ઓક્ટોબરે માનસાના ભરચક બજારમાં એક મેડિકલ સ્ટોર સંચાલક દ્વારા નશાકારક દવાઓ વેચવા બાબતે વિવાદ થયો હતો. ઝોટા આ સમગ્ર ઘટનાનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, તે જ સમયે તેમની ગોળી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર પંજાબમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને જનઆંદોલન શરૂ થયું હતું.
પરિવાર અને જનતાની ઉગ્ર માંગ બાદ આ કેસની તપાસ હાલ સીબીઆઈ (CBI)ને સોંપવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રાજકીય પક્ષોના નેતાઓ પરિવારની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીના આગમન પૂર્વે ઝોટાના પિતાના આ નિવેદને પંજાબના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.











