"અમને તમારા પર ગર્વ છે..." હજારો જીવ બચાવનાર પાયલટ સ્મિત મચ્છરને મળવા પહોંચ્યા UAEના ડેપ્યુટી PM

યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ના ડેપ્યુટી વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે ફ્લાયદુબઈના બહાદુર પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની મુલાકાત લીધી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં અદમ્ય સાહસ, જવાબદારી અને માનવ જીવનની સુરક્ષા પ્રત્યે અપ્રતિમ નિષ્ઠા દર્શાવવા બદલ શેખ હમદાને તેમને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની બહાદુરીની પ્રશંસા કરી હતી.
આ મુલાકાત બાદ શેખ હમદાને સોશિયલ મીડિયા પર લાગણીસભર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, "કેપ્ટન સ્મિત મચ્છરની મુલાકાત દરમિયાન, ફ્લાયદુબઈના એ પાયલટ કે જેમણે સર્વોચ્ચ કક્ષાની બહાદુરી, જવાબદારી અને માનવ જીવનની કાળજીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમારા તરફથી અને દેશના નેતૃત્વ તરફથી તેમના માટે સંપૂર્ણ આદર, પ્રશંસા અને ધન્યવાદ છે."
તેમણે વધુમાં ગર્વ વ્યક્ત કરતાં ઉમેર્યું કે, "અમને ખૂબ ગર્વ છે કે તેઓ અમારી ટીમનો એક હિસ્સો છે... આપણા દેશની પ્રગતિની ગાથાનો હિસ્સો છે... અને UAE જે મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે તેનું પ્રતિબિંબ છે—એક એવો દેશ જે કરુણા, શાંતિ અને જીવનનું રક્ષણ કરનાર દેશ તરીકે ઓળખાય છે."
ક્રાઉન પ્રિન્સની આ મુલાકાત અને તેમણે વ્યક્ત કરેલી કદર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે, જેમાં એક સામાન્ય કર્મચારી અને પાયલટની ફરજનિષ્ઠા પ્રત્યે UAE શાસકોની સંવેદનશીલતા અને સન્માનની ચોમેર પ્રશંસા થઈ રહી છે.

