અરુણાચલના સરહદી ગામોમાં વીજળી, પાણી અને રોજગાર પહોંચ્યાં, લોકોનું પલાયન અટક્યું: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે અરુણાચલ પ્રદેશના વિકાસને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચીનની સરહદને અડીને આવેલા ગામોના વિકાસ માટે સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરી છે. આ પહેલની તાજેતરમાં સમીક્ષા અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મને એ જણાવતાં ખુશી થાય છે કે આ તમામ 40 ગામોમાં લોકો ફરી પાછા ફરવા લાગ્યા છે અને ત્યાંની સ્થાનિક વસ્તીમાં વધારો થયો છે. હવે માત્ર પલાયન અટક્યું જ નથી, પરંતુ લોકો પોતાના ગામોમાં પાછા પણ આવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "અમે આ ગામોમાં વીજળી, શાળાઓ, આરોગ્ય સુવિધાઓ અને રોજગારીની તકો જેવી જરૂરિયાતો પૂરી કરી છે. પહાડોની ટોચ સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરી છે અને સોલર પેનલ પણ લગાવવામાં આવ્યા છે." અમિત શાહે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે ITBP અને સેનાને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ પોતાની જરૂરિયાતની વસ્તુઓ તેજપુર કે ગુવાહાટીથી ખરીદવાને બદલે સીધી આ ગામોમાંથી ખરીદે. ખાસ કરીને સ્થાનિક સહકારી મંડળીઓ મારફતે ખરીદી કરવાનું કહેવામાં આવ્યું છે.
આ વ્યવસ્થાને કારણે અરુણાચલ પ્રદેશની ગામડાની મહિલાઓ સહકારી મંડળીઓ દ્વારા ડેરી ઉત્પાદનો, ઈંડાં, શાકભાજી, મિલેટ્સ અને લોટ સહિતની વસ્તુઓનો પુરવઠો પૂરો પાડી રહી છે. તેમણે કહ્યું કે આના પરિણામે સ્થાનિક ખેતીની પદ્ધતિમાં પણ ફેરફાર આવ્યો છે અને ગામડાંની મહિલાઓ આર્થિક રીતે સમૃદ્ધ બની રહી છે.
કોંગ્રેસ પર અરુણાચલ પ્રદેશના વિકાસની અવગણનાનો આરોપ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે (22 નવેમ્બર, 2026) કોંગ્રેસ પર અરુણાચલ પ્રદેશમાં પોતાના શાસનકાળ દરમિયાન વિકાસની અવગણના કરવાનો અને રાજ્યને પૂરતી નાણાકીય સહાય ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ઉત્તર-પૂર્વના રાજ્ય અરુણાચલ પ્રદેશના વિકાસ માટે આપવામાં આવતી નાણાકીય સહાયમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
રાજધાની ઈટાનગરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "16 લાખથી વધુની વસ્તી ધરાવતા અરુણાચલ પ્રદેશના વિકાસ માટે મોદી સરકારે કોઈ કસર છોડી નથી. પરંતુ હું આજે કોંગ્રેસને પૂછવા માગું છું કે આઝાદી પછી એક-બે વર્ષ જનતા પાર્ટીના શાસનને બાદ કરતાં મોટાભાગે સત્તા તો તમારી પાસે જ રહી હતી. તો આટલાં વર્ષોમાં તમે અરુણાચલ પ્રદેશને શું આપ્યું? કોંગ્રેસ આ સવાલનો જવાબ આપતી નથી, પરંતુ આજે હું આંકડા લઈને આવ્યો છું."
અમિત શાહે આંકડા રજૂ કરીને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, "યુપીએ સરકારના શાસન દરમિયાન વર્ષ 2004થી 2014 વચ્ચે કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશને 33,530 કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે વર્ષ 2014થી 2024ના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન રાજ્યને આપવામાં આવેલી નાણાકીય સહાય વધારીને 1,49,664 કરોડ રૂપિયા કરી દીધી છે."
તેમણે વધુમાં કહ્યું હતું કે રાજ્યને કરવેરામાંથી મળતો હિસ્સો ચાર ગણો વધી ગયો છે, જ્યારે ગ્રાન્ટની રકમમાં 18 ગણો વધારો થયો છે. આ ઉપરાંત ગ્રાન્ટ-ઇન-એઇડમાં પણ દોઢ ગણો વધારો થયો છે. આ નાણાંથી રાજ્યમાં થયેલો વિકાસ પણ દેખાઈ રહ્યો છે.
અમિત શાહે વિકાસનાં ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે વર્ષ 2018માં પાસીઘાટ અને ડિબ્રુગઢને જોડતો ભારતનો પ્રથમ અને સૌથી લાંબો ડબલ ડેકર બ્રિજ શરૂ થયો હતો, જેના પર ટ્રેનો અને વાહનો બંને અવરજવર કરી શકે છે. આ ઉપરાંત નામફુકમાં રાજ્યની પ્રથમ કોલસાની ખાણ પણ શરૂ કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 44 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 1,500 કિલોમીટર લાંબા ફ્રન્ટિયર હાઇવેને મંજૂરી આપવામાં આવી છે.














