મહારાષ્ટ્રમાં CM પદનું ઘેરાતું રહસ્ય, શિંદેની તબિયત ફરીથી બગડી- પવાર દિલ્હી જવા રવાના
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાના 10 દિવસ પછી પણ મુખ્યમંત્રીના નામને લઈને કોકડ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાના 10 દિવસ પછી પણ મુખ્યમંત્રીના નામને લઈને કોકડું ગુંચવાયું છે. મહાયુતિ ગઠબંધન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય મિસ્ટ્રી હજુ અટવાયેલી છે. મહાયુતિની આજે બેઠક મળવાનું નક્કી હતુ પરંતુ અચાનક જ કાર્યવાહક સીએમ શિંદે બીમાર થયા છે. અજિત પવાર ફરી એક વખત દિલ્હી જઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ગરમાયો EVMનો મુદ્દો, 5 વાગ્યા પછી 76 લાખ વધારાના મત ક્યાંથી પડ્યા?
હકિકતમાં મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી અંગેની ખેંચાતાણ ચાલી રહી છે. બીજી તરફ કાર્યકારી સીએમ એકનાથ શિંદે ફરી એકવાર બીમાર પડ્યા છે. બીમાર પડ્યા બાદ શિંદેએ આજે તેમની તમામ બેઠકો રદ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદેને ગળામાં ઈન્ફેક્શન સાથે તાવની સમસ્યા છે.
મીટિંગ મુલતવી રખાઈ
એકનાથ શિંદે ગઈકાલે (1 ડિસેમ્બર) સાંજથી થાણેમાં છે. તેઓ તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા પરત ફર્યા નથી. શિંદેની નાદુરસ્ત તબિયતના કારણે મહાયુતિના નેતાઓની બેઠક મુલતવી રાખવામાં આવી છે. આજે સત્તા અને વિભાગો તેમજ ગૃહ, શહેરી વિકાસ અને મહેસૂલ મંત્રાલયના વિતરણને લઈને કોઈ ચર્ચા થશે નહીં. આ દરમિયાન અજિત પવાર દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે.
જણાવી દઈએ કે બે દિવસ પહેલા પણ શિંદેની તબિયત બગડી હતી. ત્યારે તેઓ સતારા તેમના વતનના ગામમાં હતા. તેમને ગળામાં ઈન્ફેક્શન હતું અને તેને તાવ પણ હતો. જો કે આ દરમિયાન તે સતારાથી થાણે પરત ફર્યા હતા.
શિંદેના પુત્રનું નિવેદન આવ્યું
આજે જ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેની એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ સામે આવી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, મહાયુતિની સરકારાં શપથ ગ્રહણ સમારોહમાં થોડું મોડું થયું છે, આ અંગે ઘણી ચર્ચાઓ અને અફવાઓ ચાલી રહી છે. સીએમ શિંદે તબિયત ખરાબ હોવાને કારણે 2 દિવસ માટે ગામમાં ગયા હતા. દરમિયાન મારા ડેપ્યુટી સીએમ બનવાની અફવાઓ ફેલાઈ રહી હતી. આમાં કોઈ સત્ય નથી. મારા ડેપ્યુટી સીએમ બનવાના તમામ સમાચાર પાયાવિહોણા છે.








