દિલ્હીના વિરોધ પ્રદર્શનોમાં યુવાનોની સંખ્યા વધી, શું યુથ કોંગ્રેસ સાથે?

એસઆઇઆર અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા બાબતે છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં વિરોધ પક્ષો આંદોલન કરી રહ્યા છે. જોવા મળ્યું છે કે ધીરે ધીરે આ આંદોલનોમાં યુવાનોની સંખ્યા વધતી જાય છે. જોકે શિક્ષામંત્રીનું રાજીનામું માંગતી વખતે જે પ્રમાણમાં યુવાનો ભેગા થયા હતા એટલી સંખ્યા હજી સુધી દેખાઈ નથી. સોમવારે કોંગ્રેસ અને બીજા વિદ્યાર્થી યુનિયનોએ જે વિરોધ પ્રદર્શન કર્યું હતું એમાં જેન ઝીની સંખ્યા મોટા પ્રમાણમાં હતી. યુવાનોનું માનવું છે કે એસઆઇઆર એક લાંબી પ્રક્રિયા છે અને એને સરળ કર્યા વગર અમલ શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી કમિશને ત્યાર પછી કરેલા સુધારાથી પૂરવાર થાય છે કે પહેલા આ પ્રક્રિયા પારદર્શક નહોતી. દેશના યુવાનો પોતાના મતાધિકાર બાબતે ચિંતીત છે અને બીજા રાજ્યોમાંથી પણ યુવાનો દિલ્હી આવી રહ્યા છે.
વિદ્યાર્થી પ્રદર્શનોનો નિવડો લાવવા કિરણ બેદીની ફોર્મ્યુલા
દિલ્હીમાં વારંવાર વિદ્યાર્થી અને યુવાનોના વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનનો નિવડો કઈ રીતે લાવવો એની સમજણ સરકારને પડતી નથી. સરકાર જો કડકાઈ બતાવે તો સુપ્રિમ કોર્ટ વાંધો લે છે અને જો હળવાશથી કામ કરે છે તો સરકારની બેઇજ્જતી થાય છે. આવી પરિસ્થિતિમાં ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી કિરણ બેદીએ એક ઉપાય બતાવ્યો છે. કિરણ બેદીએ આ માટે સિવિલ ડિફેન્સ વોલિયેન્ટર્સ (સીડીવી)નો ઉપયોગ કરવાની સલાહ આપી છે. એમના કહેવા પ્રમાણે આ વોલિયેન્ટર્સને સૌથી આગળ રાખવા જોઈએ જ્યારે તોફાનો કાબુમાં રાખતી પોલીસને એમની સુરક્ષા માટે રાખવી જોઈએ. બેદીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, સિવિલ ડિફેન્સ વોલિયેન્ટર્સ બીએસએફની માફક પ્રથમ સુરક્ષા પંક્તિમાં રહીને કામગીરી કરી શકે છે. આ વોલિયેન્ટર્સ પાસે લાકડીઓ હોવી જોઇએ નહીં.
સુપ્રિમ કોર્ટ પરિસરમાં ભીડ ભેગી કરવા સામે અરજી
સુપ્રિમ કોર્ટ પરિસરમાં સોમવારે રાત્રે વિરોધપક્ષના નેતાઓ પહોંચ્યા પછી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે. આ ઘટના બાબતે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સિનિયર એડવોકેટ ગૌરવ ભાટીયા અને મહેશ જેઠમલાણીએ સીજેઆઇ સૂર્યકાંત સામે આ મામલે જલ્દી સુનાવણી કરવાનો આગ્રહ રાખ્યો છે. સીજેઆઇએ આ અરજીની સુનાવણી ૧૫મી ઓક્ટોબરે કરવા સહમતી બતાવી છે. સોમવારે રાત્રે જ્યારે વિરોધપક્ષના નેતાઓ પોતાના સમર્થકો સાથે સુપ્રિમ કોર્ટના પરિસરમાં પ્રવેશ્યા હતા ત્યારે હોબાળો થઈ ગયો હતો. સીજેઆઇ સૂર્યકાંતને નિશાન બનાવીને કેરળ કોંગ્રેસે સોશ્યલ મીડિયા પર મૂકેલી પોસ્ટ બાબતે કોર્ટના અવમાનનાની કાર્યવાહી કરવાનું પણ અરજીમાં કહેવાયું છે. સુપ્રિમ કોર્ટના વકીલ વિનીંત જિંદલે જરૂરી કાર્યવાહી કરવા સીજેઆઇને આગ્રહ કર્યો છે. સુપ્રિમ કોર્ટ પરિસરમાં વિરોધપક્ષના નેતાઓએ જે સુત્રોચ્ચાર કર્યા હતા એની તપાસ કરવાની માંગણી પણ કરવામાં આવી છે.
ચાર રાજ્યના રાજ્યપાલ બદલાયા, ફાયદો શું?
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ દેશના કેટલાક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. સિક્કીમના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરને કેરળના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તામિલનાડુની જવાબદારી સોંપાઇ છે. આ સિવાય વ્રજ મોહન રામને ઓડિસા, ડો. સુધા યાદવને કર્ણાટક અને ડો. ઢાલ સિંહ બીસેનને ઉત્તરાખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. દુષ્યંત ગૌતમ સિક્કીમના રાજ્યપાલ બન્યા છે. ગોવા વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા આર્લેકર આ પહેલા હિમાચલ પ્રદેશ અને બિહારના રાજ્યપાલ રહી ચૂક્યા હતા. આપણા દેશના બંધારણ પ્રમાણે રાજ્યપાલના પાવર મર્યાદીત છે. એમનો મોભો અને માનપાન ઊંચા હોય છે, પરંતુ છેવટે તો એમણે કેન્દ્ર સરકારની કઠપૂતળી તરીકે જ કામ કરવું પડે છે.
સાગરીકા ઘોષનો ખુલાસો, સીજેઆઇનું રાજીનામું કોઈએ માંગ્યું નથી
કેરળ કોંગ્રેસએ દેશના મુખ્ય ન્યાયાધીશનું રાજીનામું માંગ્યા પછી બીજા કેટલાક વિરોધપક્ષોએ પોતાની અસહમતી દર્શાવી છે. તૂણમુલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પક્ષના ઉપપ્રમુખ સાગરીકા ઘોષએ કહ્યું છે કે, એમનો પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના બીજા પક્ષો પણ સીજેઆઇનું રાજીનામું માંગવાના પક્ષમાં નથી. સાગરીકા ઘોષએ સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે. જો કોઈ પક્ષ આવી માંગણી કરતો હોય તો એને તૃણમુલ કોંગ્રેસનો ટેકો નથી. ઘોષએ અપેક્ષા રાખી છે કે ન્યાયતંત્ર બંધારણની રક્ષા કરશે અને દેશના દરેક નાગરીકના અધિકારોની સુરક્ષા પણ નક્કી કરશે. એમનું કહેવું છે કે ન્યાય તમામ સાથે કોઈ ડર કે પક્ષપાત વગર થવો જોઈએ. વિવાદ વધતા જોકે કેરળ કોંગ્રેસએ પોતાની પોસ્ટ હટાવી દીધી છે.
મહિલા પત્રકારોની થયેલી મારપીટ બાબતે સુપ્રિમ કોર્ટ નારાજ
દિલ્હીમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોના કવરેજ વખતે કેટલીક મહિલા પત્રકારોને માર માર્યો હોવાની વાત સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી હતી. સીજેઆઇ સૂર્યકાંતએ આ બાબતે દિલ્હી પોલીસના એક સિનિયર અધિકારીને રૂબરૂ હાજર થઈને આરોપોનો જવાબ આપવા કહ્યું હતું. કેસની સુનાવણી ગુરુવારે રાખવામાં આવી છે. સીજેઆઇ સૂર્યકાંત સામે સિનિયર એડવોકેટ ઇન્દિરા જયસિંહે નેટવર્ક ઓફ વિમેન ઇન મીડિયા, ઇન્ડિયા (એનડબ્લ્યુએમઆઇ)ની અરજીનો ઉલ્લેખ કર્યો હતો. વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહેલા પત્રકારો અને મહિલાઓની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. સીજેઆઇએ કહ્યું હતું કે, પોલીસે આ આરોપનો જવાબ આપવો જોઈએ. ઇન્દિરા જયસિંહે કોર્ટને કહ્યું હતું કે આ બાબતે સોલીસીટર જનરલને પહેલા પણ સૂચના આપવામાં આવી છે.
પંજાબ કોંગ્રેસના નવા પ્રમુખ સામે પણ રાજકીય કાવાદાવા
પંજાબ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ પરગટ સિંહ સામે ભૂતપૂર્વ પીસીસી પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડીંગ બળવો કરે એવી શક્યતા છે. વડીંગે એમને હોદ્દા પરથી દુર કરનાર ગણાતા નેતાઓ વિરુદ્ધ બદલો લેવાનું નક્કી કર્યું છે. પક્ષમાં બદલાતા સમીકરણો વચ્ચે લુધિયાણાના સાંસદ પોતાની રાજકીય તાકાત બતાવવા સમર્થકોને સાથે લાવી રહ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નજીકના નેતાઓનો વધતો પ્રભાવ અને ભૂપેશ બધેલની જગ્યાએ સચીન પાયલટને પંજાબના પ્રભારી બનાવાયા પછી વડીંગે પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવાના પ્રયત્નો કર્યા છે. દિલ્હીમાં વડીંગે પંજાબ કોંગ્રેસના નેતૃત્વ સાથે જોડાવાને બદલે પોતાના રહેઠાણે સમર્થકોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કેટલાક જિલ્લા પ્રમુખો અને ભૂતપૂર્વ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.








