બિહારની ગંગા નદીમાં બોટ પલટી જતાં 11ના મોત, બાજુના ગામમાં જમણવાર માટે જતા હતા લોકો

બિહારના નાજીપુરમાં રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર શ્યામચંદ ગામ નજીક ગંગા નદીમાં હોડી પલટી જતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, હોડી પર 15 થી 20 લોકો સવાર હતા અને તેઓ જમણવારમાં જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં 11 લોકોના ડૂબવાથી મોત થયા છે.
બાજુના ગામમાં જમણવાર માટે જતા હતા લોકો
પ્રાથમિક માહિતી અનુસાર, હોડી પર સવાર તમામ લોકો એક કાર્યક્રમમાં જમવા માટે જઈ રહ્યા હતા, ત્યારે ગંગા નદીમાં અચાનક હોડી પલટી ગઈ હતી. હોડી પલટતાની સાથે જ સવાર તમામ લોકો નદીમાં ખાબક્યા હતા. આ બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને તાત્કાલિક સ્થાનિક પોલીસ-પ્રશાસનને આ અંગે જાણ કરવામાં આવી હતી.
અકસ્માત બાદ વિસ્તારમાં ભયનો માહોલ
ગંગા નદીમાં હોડી પલટવાની ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ચિંતાનો માહોલ છે. અકસ્માતમાં કેટલા લોકો પ્રભાવિત થયા છે, અને કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાયા છે, તે અંગેની સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે. હાલ હોડી પલટવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.








