બિહાર/ ગંગા નદીમાં હોડી પલટી, જમણવારમાં જતા લોકો 11નાં મોત

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર શ્યામચંદ ગામ નજીક બનેલી આ ઘટનામાં 11 લોકોનાં ડૂબી જવાથી મોત થયાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હોડીમાં 15થી 20 લોકો સવાર હતા અને તેઓ એક જમણવારમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે.
જમણવારમાં જતાં સમયે હોડી બની કાળનો કોળિયો
પ્રાથમિક માહિતી અનુસાર, હોડીમાં સવાર લોકો ગંગા નદી પાર કરીને નજીકના ગામમાં એક કાર્યક્રમમાં જમવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડી પલટી જતાં તમામ લોકો નદીમાં ખાબક્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસ-પ્રશાસનને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
બચાવ કામગીરી શરૂ, મોતનો આંકડો ચિંતાજનક
હોડી પલટી જવાની ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયાં હોવાની માહિતીથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને અન્ય કોઈ વ્યક્તિ લાપતા છે કે નહીં, તે અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
હાલમાં હોડી પલટી જવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઘટનાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.






