સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 જગ્યાએ EDના દરોડા, કેજરીવાલ સહિતના AAPના નેતા ભડક્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘર સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘર સહીત 13 સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ જૂનમાં પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સામે કેસ નોંધ્યો હતો, જેમાં AAP સરકાર દરમિયાન આરોગ્ય માળખાગત સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં આ કેસ EDને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, અને કેન્દ્રીય એજન્સીએ જુલાઈમાં કેસ નોંધ્યો હતો.
જાણો શું છે ઘટના?
અહેવાલો અનુસાર, 5,590 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં AAPના કાર્યકાળના બે આરોગ્ય મંત્રીઓ, સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનની ભૂમિકા તપાસ હેઠળ છે. ED અનુસાર, આમ આદમી પાર્ટી સરકારે 2018-19માં 24 હોસ્પિટલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. યોજના છ મહિનામાં ICU હોસ્પિટલો તૈયાર કરવાની હતી, પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે કામ હજુ પૂર્ણ થયું નથી, જ્યારે 800 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં માત્ર 50% કામ પૂર્ણ થયું છે.
ED તપાસમાં સામે આવ્યું કે,દિલ્હી સરકારની લોકનાયક હોસ્પિટલનો બાંધકામ ખર્ચ 488 કરોડ રૂપિયાથી વધીને 1,135 કરોડ રૂપિયા થઈ ગયો. ઘણી હોસ્પિટલોમાં યોગ્ય મંજૂરી વિના બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.
ACB દ્વારા નોંધાયેલી ફરિયાદ અનુસાર,શહેરભરમાં હોસ્પિટલો, પોલીક્લીનિક અને ICU ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં મોટી અનિયમિતતાઓ, બિનજરૂરી વિલંબ અને ભંડોળનો મોટા પાયે દુરુપયોગ જોવા મળ્યો છે. ખર્ચમાં કરોડો રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો હતો અને એક પણ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થયો ન હતો.
કેજરીવાલ-આતિશી સહિતના AAP નેતા ભડક્યા
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, "સૌરભ ભારદ્વાજના ઘરે EDના દરોડા મોદી સરકાર દ્વારા એજન્સીના દુરૂપયોગની એક ઘટના છે. મોદી સરકાર આમ આદમી પાર્ટી પાછળ પડી ગઇ છે, જે રીતે AAPને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, આવું ઇતિહાસમાં કોઇ પાર્ટીને કરવામાં આવી નથી. AAPને એટલા માટે ટાર્ગેટ કરવામાં આવી રહી છે કારણ કે મોદી સરકારની ભૂલ ભરેલી નીતિઓ અને ભ્રષ્ટ કામો વિરૂદ્ધ અવાજ ઉઠાવનાર AAP જ છે. મોદી સરકાર અમારો અવાજ દબાવવા માંગે છે, આ ક્યારેય નહીં થાય. AAP ભાજપના આ દરોડાથી ડરવાની નથી. અમે હંમેશાની જેમ દેશ હિતમાં ભૂલ ભરેલી નીતિઓ અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવતા રહીશું.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘરે EDના દરોડાથી પૂર્વ મુખ્યમંત્રી આતિશી ભડક્યા છે. કથિત હોસ્પિટલ કૌભાંડમાં લાગેલા આરોપોને કારણે કેન્દ્રીય તપાસ એજન્સીએ દરોડા પાડતા આતિશીએ PM મોદીની ડિગ્રી સાથે જોડી દીધી હતી. આતિશીએ કહ્યું કે આ મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે દરોડા પાડવામાં આવ્યા છે.
સૌરભ ભારદ્વાજ અરવિંદ કેજરીવાલ બાદ આતિશી સરકારમાં મંત્રી હતા. સૌરભ ભારદ્વાજ પર EDના દરોડા બાદ આતિશીએ X પર લખ્યુ, 'આજે સૌરભજીને ત્યાં રેડ કેમ પડી? કારણ કે આખા દેશમાં મોદીજીની ડિગ્રી પર સવાલ ઉઠી રહ્યાં છે- શું મોદીજીની ડિગ્રી ફેક છે? આ ચર્ચાથી ધ્યાન ભટકાવવા માટે દરોડા પાડવામાં આવ્યા છે.' મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હી હાઇકોર્ટે એક દિવસ પહેલા કેન્દ્રીય સૂચના આયોગના તે આદેશને રદ કરી નાખ્યો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે જોડાયેલી જાણકારી સાર્વજનિક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.








