જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા
છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જ

છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકોમાં ફાળ પડી છે. હવે જમ્મુ-કાશ્મીરથી ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ, સોમવારે વહેલી સવારે કાશ્મીર ખીણ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કાશ્મીર ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ બારામુલ્લામાં લોકો ગભરાઈને પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા. જોકે, હજુ સુધી કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર નથી.
કેટલી હતી ભૂકંપની તીવ્રતા?
જમ્મુ-કાશ્મીરમાં સોમવારે વહેલી સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 નોંધાઈ છે. આ ભૂકંપ 2 ફેબ્રુઆરી 2026 ના રોજ વહેલી સવારે 5:35 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ પ્રદેશના હંજીવેરામાં જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી
જમ્મુ-કાશ્મીરમાં અત્યારે આકરી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આવી સ્થિતિમાં ભૂકંપે લોકોની મુશ્કેલી વધારી દીધી છે, કારણ કે કડકડતી ઠંડીમાં લોકોને વહેલી સવારે ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી.
એક દિવસ પહેલા બાંગ્લાદેશમાં આવ્યો હતો ભૂકંપ
સોમવાર પહેલા પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવારે સવારે લગભગ 4 વાગ્યે ધરતી ધ્રૂજી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના રિપોર્ટ અનુસાર, આ ભૂકંપ જમીનથી 20 કિમીની ઊંડાઈએ આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0 હતી. આ અગાઉ બુધવારે ફિલિપાઈન્સના મિંડાનાઓ ટાપુ પર 6.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો.







