પાકિસ્તાનની ફરી નાપાક હરકત: જમ્મુ-કાશ્મીરના 3 જિલ્લામાં દેખાયા ડ્રોન, ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન

પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી છે. રવિવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લામાં શંકાસ્પદ ડ્રોન હિલચાલ જોવા મળી. સુરક્ષા દળોએ ઘટનાની ગંભીર નોંધ લીધા બાદ કહ્યું હતું કે ઉડતી વસ્તુઓ પાકિસ્તાન બાજુથી આવી હતી, થોડી મિનિટો રહ્યા બાદ તે ભારતીય સીમામાંથી પરત ફરી ગઈ હતી. હાલ ભારતીય સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, રાજૌરીમાં નિયંત્રણ રેખા નજીક નૌશેરા સેક્ટરની સુરક્ષા કરી રહેલા ભારતીય સેનાના જવાનોએ સાંજે લગભગ 6.35 વાગ્યે ગણિયા-કલસિયન ગામ ઉપર ડ્રોનની ગતિવિધિ જોઈ હતી, જે બાદ મધ્યમ અને હળવા મશીનગનથી ગોળીબાર પણ કર્યો હતો. સાંજે 7:15 વાગ્યે સાંબાના રામગઢ સેક્ટરમાં ચક બબ્રાલ ગામ પર પણ ફ્લેશિંગ લાઇટ્સ સાથે ડ્રોન જેવી વસ્તુ ઘણી મિનિટો સુધી ફરતી જોવા મળી હતી. તો બીજી તરફ 6:25 વાગ્યે પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક માનકોટ સેક્ટરમાં ટોપા તરફ તૈન બાજુથી ડ્રોન જેવી ઊડતી વસ્તુઓ દેખાઈ હતી.
ત્રણ જિલ્લામાં એકસાથે હિલચાલ
પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. રવિવારે (11 જાન્યુઆરી, 2026) સાંજે જમ્મુ અને કાશ્મીરના સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (LoC) નજીક શંકાસ્પદ ડ્રોન હિલચાલ જોવા મળી હતી. ભારતીય સુરક્ષા દળોએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક વળતો જવાબ આપ્યો હતો, જેના કારણે પાકિસ્તાની ડ્રોન પરત ભાગવા મજબૂર બન્યા હતા

