આગામી લોકસભા ચૂંટણીમાં NDA સરકાર સત્તા ગુમાવશે: CJPના સ્થાપક દીપકેની ભવિષ્યવાણી, SIR સામે કોચીમાં વિરોધ

કેરળના કોચીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના વિરોધમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ કેન્દ્રની NDA સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે 2029ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી NDA સરકાર સત્તામાંથી બહાર થઈ જશે. સાથે જ તેમણે લોકોને કેન્દ્રમાં સત્તા પરિવર્તન માટે તૈયાર રહેવાની અપીલ કરી હતી.
દીપકેએ જણાવ્યું હતું કે સરકારમાં પરિવર્તન લાવવાનો એકમાત્ર લોકતાંત્રિક રસ્તો ચૂંટણી છે. તેમણે દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી વ્યવસ્થાની માગણી પણ કરી હતી. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, તેમણે કેન્દ્ર સરકાર પર મુખ્ય ચૂંટણી કમિશનરને બચાવવા માટે દેશના યુવાનો સામે લડાઈ લડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે જ્ઞાનેશ કુમાર કેન્દ્ર સરકાર માટે આટલા મહત્ત્વના કેમ છે?
'ત્રિરંગો ફરકાવવા બદલ જેલમાં મોકલાયો'
દિલ્હીના જંતર-મંતર ખાતે રાષ્ટ્રીય ધ્વજ સાથે પ્રવેશ કરવાના મામલે CJP નેતાઓની ધરપકડનો ઉલ્લેખ કરતાં દીપકેએ કહ્યું કે તેઓ જ્યાં જશે ત્યાં તિરંગો લઈને જશે. તિરંગો ફરકાવવા બદલ તેમના સાથીઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે આ ઘટનાની સરખામણી અંગ્રેજોના શાસન દરમિયાન થતા દમન સાથે કરી હતી.
'લોકો શું ખાય, કોની સાથે લગ્ન કરે તે પણ નિયંત્રિત કરવાનો પ્રયાસ'
દીપકેએ કેન્દ્ર સરકાર પર લોકોની વ્યક્તિગત સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, સરકાર પહેલાં લોકો શું ખાય છે, કોને પ્રેમ કરે છે અને કોની સાથે લગ્ન કરે છે તેના પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરતી હતી અને હવે કોને મત આપવો તે પણ નિયંત્રિત કરવા માગે છે.
તેમણે SIR પ્રક્રિયાનો ઉપયોગ ચૂંટણીનાં પરિણામોને પ્રભાવિત કરવા માટે થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, આ દાવાઓને તેમણે પોતાના રાજકીય આરોપ તરીકે રજૂ કર્યા હતા.
'અમે અરાજકતાવાદી નહીં, આંબેડકરવાદી અને ગાંધીવાદી છીએ'
દીપકેએ કહ્યું કે ભારતની સ્થાપના બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુના આદર્શો પર થઈ છે. તેમના મતે, છેલ્લા 10થી 12 વર્ષમાં દેશમાં લોકોનો અવાજ દબાઈ ગયો હતો, પરંતુ જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શને લોકોને ફરીથી બોલવાની હિંમત આપી છે.
તેમણે ભાજપ પર ધાર્મિક આધાર પર લોકોને વિભાજિત કરવાનો અને રાજકીય હિતો માટે રમખાણો કરાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. યુવા પ્રદર્શનકારીઓને અરાજકતાવાદી ગણાવવા સામે વાંધો ઉઠાવતા તેમણે કહ્યું કે તેઓ અરાજકતાવાદી નહીં, પરંતુ આંબેડકરવાદી અને ગાંધીવાદી છે.
કોચીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
કોચીના રાજેન્દ્ર મેદાન ખાતે યોજાયેલી આ વિરોધ સભામાં વિવિધ વયજૂથના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અનેક યુવા અને સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોના આગેવાનોએ પણ ભાગ લીધો હતો.













