મુખ્ય સામગ્રી પર જાઓ

"લાઠીઓ કે પોલીસથી ડરતા નહીં..." 1 નવેમ્બરની રેલી પહેલાં રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકારને સીધો પડકાર, આપ્યું મોટું નિવેદન

"લાઠીઓ કે પોલીસથી ડરતા નહીં..." 1 નવેમ્બરની રેલી પહેલાં રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકારને સીધો પડકાર, આપ્યું મોટું નિવેદન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશની રાજધાની દિલ્હીમાં 1નવેમ્બરના રોજ યોજાનારી વિપક્ષની રેલી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ INDIA ગઠબંધનના તમામ પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે 'જનતા મહાભિયોગ' (પબ્લિક મહાભિયોગ) ચલાવવાની જાહેરાત કરી છે. વિપક્ષનો આરોપ છે કે મતદાર યાદીમાંથી ગેરકાયદેસર રીતે લાખો નામો હટાવીને મત ચોરી કરવામાં આવી રહી છે, જેથી બંધારણ અને લોકતંત્ર પર મોટો ખતરો ઊભો થયો છે.

રાહુલ ગાંધીએ આ મામલે દેશભરના યુવાઓ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિકોને રામલીલા મેદાન ખાતે પહોંચવા ખુલ્લું આહ્વાન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ કોઈ એક રાજકીય પક્ષની લડાઈ નથી પરંતુ દેશની આત્મા અને બંધારણના રક્ષણ માટેનો સંગ્રામ છે. રાહુલ ગાંધીએ જનતાને સંબોધતા કહ્યું કે, "પોલીસ કે લાઠીચાર્જથી ડરવાની જરૂર નથી, આપણે બધા સાથે મળીને લોકતંત્ર બચાવવા માટે લડીશું".

આ જનતા મહાભિયોગની પ્રક્રિયાની અધ્યક્ષતા પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર સંભાળશે, જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેની શરૂઆત કરશે. આ કાર્યક્રમમાં સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ તેમજ જે મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે તેઓ પણ ભાગ લેશે. વિપક્ષ સતત મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગણી પર અડગ છે અને તેને લઈને દેશવ્યાપી આંદોલનની રણનીતિ ઘડવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો