Video: 'ગોકુલ' ડેરી કબજે કરવા ભાજપે ખેલ્યો દાવ? નિયમોમાં ફેરફાર સામે વિપક્ષ રસ્તા પર

સોર્સ: X

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પ્રતિષ્ઠિત 'ગોકુલ' દૂધ સહકારી સંઘ પર નિયંત્રણ મેળવવા મામલે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે સહકારી સંસ્થાઓના નિયમોમાં ફેરફાર કરી સરકાર દ્વારા નિયુક્ત 5 સભ્યોમાંથી 4ને મતદાનનો અધિકાર આપવાની જોગવાઈ ધરાવતો વટહુકમ બહાર પાડતાં ભારે વિવાદ વિવાદ ઉભો થયો છે. આ સરકારી નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસ, વિપક્ષી મહાવિકાસ અઘાડી (MVA) અને દૂધ ઉત્પાદક ખેડૂતોએ કોલ્હાપુરમાં પશુઓ સાથે વિશાળ મોરચો કાઢીને પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પશુઓ સાથે કલેક્ટર કચેરી સુધી વિશાળ કૂચ

જાહેરાત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને MLC સતેજ (બંટી) પાટિલની આગેવાની હેઠળ ‘રાજર્ષિ શાહૂ શેતકરી સમવિચારી અઘાડી’ દ્વારા કોલ્હાપુરના દશેરા ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મહામોરચો કાઢવામાં આવ્યો હતો. આ આંદોલનમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક ખેડૂતો પોતાના પશુઓ સાથે રસ્તા પર ઊતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ હાથમાં કાળા વાવટા અને સરકાર વિરોધી બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મોરચામાં સાંસદ વિશાલ પાટિલ, ધૈર્યશીલ મોહિતે-પાટિલ, સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખ રાજૂ શેટ્ટી તેમજ સ્થાનિક વકીલો પણ જોડાયા હતા. વકીલોએ જણાવ્યું હતું કે તેઓ સહકારી સંસ્થાઓમાં લોકતાંત્રિક મૂલ્યોના રક્ષણ માટે આંદોલનને સમર્થન આપી રહ્યા છે.

ચૂંટણીમાં હાર બાદ નિયમ બદલી બહુમતી ચોરવાનો કોંગ્રેસનો આરોપ

આ સમગ્ર વિવાદ અંગે કોંગ્રેસે ભાજપ સરકાર પર લોકશાહી ઢબે ચૂંટાયેલા જનાદેશની ચોરી કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. ગોકુલ દૂધ સંઘની 25 બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલે 13 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી, જ્યારે ભાજપ-મહાયુતિ ગઠબંધનને 12 બેઠકો મળી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણીમાં પરાજયથી હતાશ થઈને ભાજપ સરકારે નિયમો બદલ્યા અને 4 નોમિનેટેડ ડિરેક્ટરોને વોટિંગ રાઈટ્સ આપીને પોતાની બેઠકો 12 થી વધારીને 16 કરી બહુમતી ઉલટાવી દેવાનો પ્રયાસ કર્યો છે. મહારાષ્ટ્રના ખેડૂતો આ જનાદેશની ચોરી ક્યારેય માફ નહીં કરે તેવો પ્રહાર કરવામાં આવ્યો છે.

સરકારી વટહુકમ અને રૂ.500 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી સંસ્થાઓનો નિયમ

મહારાષ્ટ્ર કેબિનેટે મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, 1960 માં સુધારો કરીને નવો નિર્ણય લીધો છે. જે મુજબ, ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકો સિવાય રૂ.500 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સહકારી સંસ્થાઓની મેનેજિંગ કમિટીઓમાં સરકાર 5 સભ્યોની નિમણૂક કરશે, જેમાંથી 4 સભ્યોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મતદાન કરવાનો અધિકાર મળશે. રૂ.4,000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી ગોકુલ ડેરીમાં આ વટહુકમ લાગુ થવાથી શાસક પક્ષ મહાયુતિનું સંખ્યાબળ 12 થી વધીને 16 થઈ જાય છે, જેનાથી ચૂંટાયેલા બોર્ડનું સમીકરણ સંપૂર્ણપણે પલટાઈ જાય છે.

વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે સુનાવણી

સમવિચારી અઘાડીએ સરકારના આ વટહુકમને રદ કરવાની માંગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો છે. કોલ્હાપુર બેંચમાં રજા હોવાથી આ કેસની સુનાવણી સોમવારે છત્રપતિ સંભાજીનગર બેંચ સમક્ષ નિર્ધારિત કરવામાં આવી હતી. આ અગાઉ સતેજ પાટિલ, સાંસદો અને ખેડૂત નેતાઓએ પાટિલની અજિંક્યતારા ઓફિસ ખાતે સંકલન બેઠક યોજીને આગળની રણનીતિ ઘડી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રદર્શનના સમગ્ર રૂટ પર તેમજ કલેક્ટર કચેરીની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત