દિવાળી ટાણે જ ખેડૂતોનું આંદોલન ઉગ્ર: પૂણે-બેંગલુરુ હાઈવે સતત ત્રીજા દિવસે ઠપ્પ, ૧૨૦ કિમી સુધી વાહનોની લાંબી કતાર

દિવાળીના તહેવાર સમયે જ પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીના નેતૃત્વમાં ખેડૂતોએ શેરડીના ભાવ પ્રતિ ટન ₹4500 આપવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનને કારણે પૂણે-બેંગલુરુ નેશનલ હાઈવે (NH-48) ગુરુવારે સતત ત્રીજા દિવસે પણ ઠપ્પ રહ્યો હતો. આ વિરોધ પ્રદર્શનથી સતારા જિલ્લાના નાગઠાણેથી લઈને કોલ્હાપુરના સાંગલી ફાટા સુધીનો લગભગ 120 કિલોમીટરનો રસ્તો પ્રભાવિત થયો છે.
હાઈવે બંધ થવાથી અનેક ભારે વાહનો રસ્તામાં જ અટવાઈ ગયા છે, જ્યારે નાના વાહનોને અન્ય રસ્તે વાળવામાં આવતા બાયપાસ અને ગ્રામીણ રસ્તાઓ પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ કારણે કોલ્હાપુર, સાંગલી, સતારા અને બેલગાવી તરફ મુસાફરી કરી રહેલા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મુસાફરો અને એસટી બસ સેવાને ભારે અસર
દિવાળી ઉજવવા પોતાના વતન તરફ જઈ રહેલા નાગરિકો, બાળકો અને વૃદ્ધો સાથે કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડ્યા છે. હાઈવે પર વાહનોની લાંબી કતારોને કારણે ખાનગી વાહનો તેમજ 'મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન' (MSRTC)ની સેવાઓ ખોરવાઈ છે. MSRTC દ્વારા દરરોજ આશરે 100 જેટલી બસ ટ્રીપ રદ કરવાની ફરજ પડી છે. જોકે, મુસાફરોને પહોંચાડવા માટે રહાટાપુર, સાંગલી અને વિટા જેવા વૈકલ્પિક રસ્તાઓ પરથી બસો ચલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ટ્રાન્સપોર્ટરોને ભારે આર્થિક નુકસાન
આ આંદોલનને કારણે માત્ર મુસાફરો જ નહીં, પરંતુ વેપાર અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓની હેરફેર પર પણ ગંભીર અસર પડી છે. 'મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશન'ના પ્રમુખ બાબા શિંદેના જણાવ્યા મુજબ, અનાજ અને શાકભાજી જેવી આવશ્યક વસ્તુઓ ભરેલી 1500થી વધુ ટ્રકો છેલ્લા બે દિવસથી હાઈવે પર અટવાયેલી પડી છે. હાઈવે લાંબો સમય બંધ રહેવાને કારણે ટ્રાન્સપોર્ટરોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જો આ સ્થિતિ આવી જ રહેશે તો આગામી દિવસોમાં દૂધ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાય તેવી શક્યતા છે.
ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે મડાગાંઠ
'સ્વાભિમાની શેતકરી સંગઠના'એ ચેતવણી આપી છે કે જો સરકાર અને સાકર કારખાનાના માલિકો ઝડપથી ઉકેલ નહીં લાવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. રાજુ શેટ્ટીએ મુંબઈ અને પૂણે ખાતે દૂધ અને શાકભાજીનો પુરવઠો રોકવાની ધમકી પણ આપી છે. બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે સરકાર એફઆરપી (FRP) નક્કી કરે છે, જ્યારે વધારાના ભાવ અંગે કારખાના માલિકો અને ખેડૂતો વચ્ચે વાટાઘાટો થવી જોઈએ. તેમણે મંત્રી હસન મુશરીફને તમામ પક્ષો સાથે વાતચીત કરીને વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવા સૂચના આપી છે.










