દિવાળીના તહેવારોને પગલે દિલ્હીમાં ટ્રાફિકના નિયમોમાં ફેરફાર, 10 દિવસ સુધી પાર્કિંગ પર પ્રતિબંધ

દિવાળીના તહેવારોને પગલે દિલ્હીમાં ટ્રાફિકના નિયમોમાં ફેરફાર, 10 દિવસ સુધી પાર્કિંગ પર પ્રતિબંધ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે આનંદ વિહાર ISBT અને તેની આસપાસના પરિવહન કેન્દ્રો પાસે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકી છે. 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી આ વ્યવસ્થા લાગુ રહેશે. તહેવારો દરમિયાન વાહનોની અવરજવર સરળ રહે અને ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે પ્રતિબંધો અને વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. ધનતેરસ, દિવાળી, ભાઈબીજ અને છઠ પૂજા દરમિયાન મોટી સંખ્યામાં મુસાફરો બસ અને ટ્રેન મારફતે મુસાફરી કરે તેવી શક્યતા છે. આ ભીડને ધ્યાનમાં રાખીને આંતરરાજ્ય બસ ટર્મિનલ (ISBT) અને નજીકનાં રેલવે સ્ટેશનો આસપાસ ટ્રાફિકનું યોગ્ય સંચાલન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ રસ્તાઓ પર ટ્રાફિકની અસર જોવા મળશે

જાહેરાત

દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, રોડ નંબર 56 (ચૌધરી ચરણ સિંહ માર્ગ) અને રોડ નંબર 57 (સ્વામી દયાનંદ માર્ગ) પર ટ્રાફિકની અસર થવાની શક્યતા છે. આ ઉપરાંત, વિવેક વિહારમાં આવેલા ગાઝીપુર રાઉન્ડઅબાઉટ અને રામપ્રસ્થ પાસે ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવશે. NH-24, સરાય કાલે ખાન અને બારાપુલા તરફ જતા વાહનચાલકોને GT રોડ થઈને દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. તેવી જ રીતે, ગાઝિયાબાદ અને દિલશાદ ગાર્ડન તરફ જતા મુસાફરોને પણ અક્ષરધામ નજીક GT રોડ થઈને દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનો ઉપયોગ કરવા જણાવાયું છે.

આનંદ વિહાર ISBT પાસે પાર્કિંગ પર પ્રતિબંધ

ટ્રાફિક પોલીસે આનંદ વિહાર ISBT પાસે રોડ નંબર 56ની બંને બાજુ તમામ પ્રકારનાં વાહનોના પાર્કિંગ, રાહ જોવા અને ઊભા રહેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધમાં બસ, TSR, ઓટોરિક્ષા, ટેક્સી અને ખાનગી વાહનોનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને આનંદ વિહાર ISBTના પ્રવેશ અને બહાર નીકળવાના ગેટ તેમજ તેની સાથે જોડાયેલા રસ્તાઓ પર વાહનો ઊભાં રાખવાની મનાઈ રહેશે. ખાનગી વાહનચાલકોને કૌશાંબી રોડ પર મારુતિ શોરૂમ નજીક આવેલી નિયત પાર્કિંગ સુવિધા અને NH-24 નજીક કૌશાંબી રોડ પરની DDAની જમીન પર ઉપલબ્ધ પાર્કિંગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે, આ સુવિધા ઉપલબ્ધતા અને મંજૂર વ્યવસ્થાને આધીન રહેશે.

નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી

ટ્રાફિક પોલીસની એડવાઈઝરી અનુસાર, કોઈપણ વાહનને મુખ્ય માર્ગ અથવા તેની સાથે જોડાયેલા રસ્તાઓ પર બિનવારસી હાલતમાં છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અનધિકૃત પાર્કિંગ અથવા ટ્રાફિકમાં અવરોધ ઊભો કરનારા વાહનચાલકો સામે નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડ્યે આવા વાહનોને ટોઇંગ કરીને પણ લઈ જવામાં આવશે. દિલ્હી ટ્રાફિક પોલીસે મુસાફરોને પોતાની મુસાફરીનું અગાઉથી આયોજન કરવાની, આનંદ વિહાર ISBT વિસ્તારમાં બિનજરૂરી અવરજવર ટાળવાની અને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત