દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદને મળ્યા 3 દિવસના વચગાળાના જામીન, હાઈકોર્ટ આપી મોટી રાહત
ઉત્તર-પૂર્વી દિલ્હી રમખાણોના મોટા ષડયંત્ર સાથે જોડાયેલા યુએપીએ (UAPA) કેસમાં છેલ્લા સાડા પાંચ વર્ષથી

ઉત્તર-પૂર્વી દિલ્હી રમખાણોના મોટા ષડયંત્ર સાથે જોડાયેલા યુએપીએ (UAPA) કેસમાં છેલ્લા સાડા પાંચ વર્ષથી જેલમાં બંધ જેએનયુ (JNU)ના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અદાલતે માનવીય અભિગમ અપનાવતા ઉમર ખાલિદની ત્રણ દિવસની વચગાળાની જામીન અરજી સ્વીકારી લીધી છે.
ખાલિદને આ રાહત હોસ્પિટલમાં દાખલ તેમની માતાની મેજર સર્જરી દરમિયાન તેમની સાથે રહેવા માટે આપવામાં આવી છે. જો કે, હાઈકોર્ટે મુક્તિની સાથે અત્યંત કડક પ્રતિબંધો પણ લાગુ કર્યા છે. તેમની સુરક્ષા અને કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેમના મૂવમેન્ટના દાયરાને સંપૂર્ણપણે મર્યાદિત કરી દીધો છે.
જામીનની મુખ્ય શરતો
અદાલતે જામીનની શરતમાં સ્પષ્ટ કર્યું છે કે ખાલિદને દિલ્હીમાં પોતાના નક્કી કરેલા સરનામે (ઘરે) જ રહેવું પડશે. તેઓ માત્ર પોતાની માતાને મળવા હોસ્પિટલ જઈ શકશે, આ સિવાય તેમને અન્ય કોઈ પણ જગ્યાએ કે જાહેર સ્થળે જવાની મંજૂરી રહેશે નહીં. વચગાળાના જામીન પર બહાર આવવા માટે ઉમર ખાલિદે ₹ 1 લાખનો જામીન બોન્ડ ભરવો પડશે.સમગ્ર સમયગાળા દરમિયાન ઉમર ખાલિદ માત્ર એક જ ચાલુ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકશે, જેની માહિતી તેમણે તપાસ એજન્સીને આપવાની રહેશે.
નીચલી અદાલતે અરજી ફગાવી દીધી હતી
આ પહેલાં નીચલી અદાલતે ઉમર ખાલિદની વચગાળાની જામીન અરજી એવું કહીને ફગાવી દીધી હતી કે પરિવારમાં અન્ય સભ્યો પણ માતાની સંભાળ રાખવા માટે હાજર છે. ત્યારબાદ ખાલિદે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેમના વકીલે દલીલ કરી હતી કે માતાની ગંભીર સર્જરી સમયે એક પુત્રનું તેમની સાથે હોવું અત્યંત જરૂરી છે.






