દિલ્હી પોલીસે 5 ખૂંખાર શૂટર્સની કરી ધરપકડ, આ કુખ્યાત ગેંગના ઇશારાઓ પર કરતા હતા કામ
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે મોટી સફળતા મેળવી છે. કુખ્યાત અર્જુન-અનમોલ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગ

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે મોટી સફળતા મેળવી છે. કુખ્યાત અર્જુન-અનમોલ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગ સાથે સંકળાયેલા પાંચ ખતરનાક શૂટર્સને દિલ્હી પોલીસે ઝડપી લીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ગુનેગારો ઈન્દરપ્રીત સિંહ ઉર્ફે પેરી, રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સોનુ નોલ્ટા અને લાઇન બાર એન્ડ રેસ્ટોરન્ટના માલિક આશુ મહાજનની હત્યામાં સામેલ હતા. આ બધા શૂટર્સની પંજાબ, હરિયાણા અને ચંદીગઢ પોલીસ લાંબા સમયથી શોધ કરી રહી હતી.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે જણાવ્યું છે કે, આ ગેંગ કોન્ટ્રાક્ટ કિલિંગ, ગેંગ વોર અને સંગઠિત ગુનામાં સક્રિય હતી. આરોપીઓની ધરપકડથી ગેંગના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. પોલીસ હવે તેમના હથિયાર સપ્લાયર્સ, ફંડિંગ અને અન્ય સાથીદારોને શોધી રહી છે. ધરપકડ કરાયેલા 5 શાર્પ શૂટરોમાં કપિલ નહેરા ઉર્ફે કપિલ નિંદાણા, યશપાલ ઉર્ફે સરપંચ ઉર્ફે રાજુ બસઈ, રાહુલ અને ગગનદીપ ઉર્ફે ગુની ઉપર અનેક કેસ નોંધાયેલા છે. કપિલ નિંદાણા પર ગુડગાવમાં બે લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરેલું હતું.
દિલ્હી પોલીસે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને ઉત્તરાખંડમાં ગુનાઓ બાદ ફરાર થયેલા લોરેન્સ બિશ્નોઈ, સુબ્બે ગુજ્જર અને કાલા જાથેડીની ગેંગના પાંચ મોસ્ટ વોન્ટેડ શાર્પશૂટરની ધરપકડ કરી છે. તેમની પાસેથી વિદેશી બનાવટની રિવોલ્વર અને મોટી માત્રામાં કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. તમામ ગુનેગારોજેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ અને હરિયાણાના મોસ્ટ વોન્ટેડ સુબ્બે ગુજ્જર અને કાલા જાથેડીના ઈશારે સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતા. પાંચ રાજ્યોમાં વિવિધ સ્થળોએ હત્યા, હત્યાનો પ્રયાસ, કોન્ટ્રાક્ટ કિલિંગ,ખંડણી અને ધમકીઓના દસથી વધુ કેસોમાં ફરાર હતા.
જણાવી દઈએ કે, થોડા સમય અગાઉ ચંદીગઢમાં ઈન્દરપ્રીત સિંહ ઉર્ફે પેરીની હત્યાની ઘટનામાં આ ગુનેગારો સામેલ હતા. બિશ્નોઈ ગેંગે તેની SUV પર હુમલો કર્યો હતો. બિશ્નોઈ ગેંગે ઇન્દ્રપ્રીત સિંહને "ગદ્દાર" ગણાવ્યો હતો. ઇન્દ્રપ્રીતની લગભગ 11 રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. અગાઉ, આ જ ગેંગે જૂન 2025 માં પિંજોરમાં રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સોનુ નોલ્ટાની ગોળી મારીને હત્યા કરી હતી. બિશ્નોઈ ગેંગે એક વીડિયો જાહેર કરીને આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. ત્રીજી હત્યા સપ્ટેમ્બર 2025 માં અમૃતસરમાં થઈ હતી. હુમલાખોરો મોટરસાઇકલ પર લાઇન બાર એન્ડ રેસ્ટોરન્ટમાં પહોંચી અંદર ઘૂસી જઈને રેસ્ટોરન્ટના માલિક આશુ મહાજન પર આડેધડ ગોળીબાર શરૂ કર્યો. હેરી બોક્સર ગેંગે આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી.






