VIDEO: પશ્ચિમ બંગાળમાં ભાજપ સાંસદ અને ધારાસભ્ય પર જીવલેણ હુમલો
ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ અને ધારાસભ્ય પર પૂરગ્રસ્ત વિસ્તારમાં પરિસ્થિતિનું નિરિક્ષણ કરવા ગયા હતા. આ દરમિ

ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ અને ધારાસભ્ય પર પૂરગ્રસ્ત વિસ્તારમાં પરિસ્થિતિનું નિરિક્ષણ કરવા ગયા હતા. આ દરમિયાન તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે સાંસદ અને ધારાસભ્યે પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું.
ઉત્તર બંગાળના નાગરકાટા વિસ્તારમાં પૂર પ્રભાવિત લોકોની મદદ માટે પહોંચેલા ભાજપ ધારાસભ્ય શંકર ઘોષ અને સાંસદ ખગેન મૂર્મુ પર સ્થાનિકોએ હુમલો કરી દીધો હતો. હુમલામાં ભાજપ નેતાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટના પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના નાગરકાટા વિસ્તારમાં બની હતી. પથ્થરમારામાં માલદા ઉત્તરના સાંસદ ખગેન મુર્મુ અને સિલિગુડીના ધારાસભ્ય ડૉ. શંકર ઘોષ ઘાયલ થયા હતા. તેમના વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. સુરક્ષા કર્મચારીઓએ તેમને ભીડમાંથી બચાવી વાહનમાં બેસાડીને હોસ્પિટલમાં લઈ ગયા. પથ્થરમારાને કારણે સાંસદનું માથું ફ્રેક્ચર થઈ ગયું હતું અને લોહી વહેતું હતું.
ભાજપે રાજ્યની સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર આ પથ્થરમારાનો આરોપ લગાવ્યો છે, કહ્યું કે, કામગીરી કરનારા ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપ નેતા અમિત માલવિયાએ આ હુમલાની ટીકા કરતાં ટીએમસી પર આરોપ મૂક્યો હતો કે, નાગરકાટાના પૂર પ્રભાવિત વિસ્તારોની મદદે જઈ રહેલા ભાજપના સાંસદ અને ધારાસભ્ય પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કરી દીધો હતો. ટીએમસી અને રાજ્યનું વહીવટી તંત્ર આ હુમલા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. મમતા બેનરજી કોલકાતા કાર્નિવલમાં ડાન્સ કરી રહ્યા છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો વાસ્તવમાં લોકોની મદદ કરવા ગયા હતાં, તેમના પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કરી દીધો.






