'બિલ અનિશ્ચિતકાળ સુધી રોકી ન શકાય', કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી ના કરી શકેઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મોકલેલા 14 બંધારણી

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મોકલેલા 14 બંધારણીય પ્રશ્નો પર આજે પોતાનો અભિપ્રાય રજૂ કરી રહી છે.આ પ્રશ્નોનો સંબંધ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની વટહુકમ પર નિર્ણય લેવાની સત્તા અને સમય-મર્યાદા સાથે છે. અગાઉ સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો, જેમાં જણાવાયું હતું કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિએ પસાર કરાયેલા બિલ પર નક્કી કરેલા સમયગાળામાં નિર્ણય લેવો પડશે. આના પગલે, રાષ્ટ્રપતિએ બંધારણીય સીમાઓનું ઉલ્લંઘન થવાની ચિંતા વ્યક્ત કરી હતી, જેના સંદર્ભમાં આ પ્રશ્નો મોકલવામાં આવ્યા છે.
10 દિવસની સુનાવણી બાદ સુરક્ષિત રાખવામાં આવેલા આ ચુકાદાની અસર દેશના સંઘીય માળખા, રાજ્યોના અધિકારો અને ગવર્નરની ભૂમિકા પર ઘણી વ્યાપક રહેશે. કોર્ટ એ સ્પષ્ટતા કરશે કે, શું તે ગવર્નર અને રાષ્ટ્રપતિ માટે સમય-મર્યાદા નક્કી કરી શકે છે અને અનુચ્છેદ 200 અને 201 હેઠળના તેમના નિર્ણયો ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવે છે કે નહીં.
'બિલ અનિશ્ચિતકાળ સુધી રોકી શકાય નહીં': સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રપતિના સંદર્ભ પર નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, 'અનુચ્છેદ 200 અને 201 હેઠળ રાજ્યપાલ પાસે ફક્ત ત્રણ જ મૂળભૂત વિકલ્પો રહે છે: બિલને મંજૂરી આપવી, નામંજૂર કરવું (રોકી રાખવું) અથવા રાષ્ટ્રપતિના વિચારણા માટે સુરક્ષિત રાખવું.' કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પ્રથમ જોગવાઈને ચોથો વિકલ્પ ગણી શકાય નહીં. અદાલતે કહ્યું કે જો બે અર્થઘટન શક્ય હોય, તો તે અર્થઘટન સ્વીકારવું જોઈએ જે બંધારણીય સંસ્થાઓ વચ્ચે સંવાદ અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે ભારતીય સંઘવાદની કોઈ પણ વ્યાખ્યા હેઠળ એ સ્વીકાર્ય નથી કે રાજ્યપાલ બિલને વિધાનસભાને પરત મોકલ્યા વિના અનિશ્ચિત સમય માટે રોકી રાખે. રાષ્ટ્રપતિ માટે બિલ સુરક્ષિત રાખવું એ પણ સંસ્થાકીય સંવાદનો જ એક ભાગ છે. બંધારણીય પદો પર બિરાજમાન વ્યક્તિઓએ સંઘર્ષ કે અવરોધ ઊભો કરવાને બદલે સંવાદ અને સહકારની ભાવનાને પ્રાધાન્ય આપવું જોઈએ.
રાજ્યપાલ બિલને અનિશ્ચિત સમય સુધી લંબાવી શકે નહીં: સુપ્રીમ કોર્ટ
કોર્ટે જણાવ્યું કે રાજ્યપાલ કોઈપણ બિલને મંજૂરી આપવાના હેતુથી તેને અનિશ્ચિત સમય સુધી પેન્ડિંગ રાખી શકે નહીં. જોકે, સાથે જ કોર્ટે સ્પષ્ટતા કરી કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદાધિકારીઓ માટે નિર્ણય લેવા માટે સમય-મર્યાદા નક્કી કરવી એ સત્તાઓના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાશે.
ચીફ જસ્ટીસ બી.આર. ગવઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે તેના અગાઉના ચુકાદાને રદ કર્યો, જેમાં રાજ્યના બિલ પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને ફરજ પાડવામાં આવી હતી. કોર્ટના મતે, બંધારણીય પદાધિકારીઓ પર કડક સમય-નિર્ધારણ લાગુ કરવું એ ન્યાયતંત્રના અધિકાર ક્ષેત્રની બહારની બાબત છે.
રાજ્યપાલના વિવેકાધીન સત્તાની સીમા
બંધારણીય બેન્ચે રાજ્યપાલના વિવેકાધીન સત્તાની બંધારણીય સીમાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, બિલને એકતરફી રીતે રોકી રાખવું એ સંઘવાદનું ઉલ્લંઘન ગણાશે. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે કહ્યું કે, 'અનુચ્છેદ 200માં નક્કી કરાયેલી પ્રક્રિયાનું પાલન કર્યા વિના જો રાજ્યપાલ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને રોકી રાખે તો તે સંઘીય માળખાના હિતોની વિરુદ્ધ જશે.
બિલ અનિશ્ચિત સમય સુધી રોકી ન શકાય
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'ભારત જેવા લોકશાહી દેશમાં રાજ્યપાલ માટે સમય-મર્યાદા નક્કી કરવી એ બંધારણ દ્વારા આપવામાં આવેલી લચીલાપણાની ભાવના સાથે સુસંગત નથી. પીઠે સ્પષ્ટતા કરી કે રાજ્યપાલ પાસે માત્ર ત્રણ જ બંધારણીય વિકલ્પો છે: (1) બિલને મંજૂરી આપવી, (2) બિલને પુનર્વિચાર માટે વિધાનસભાને પાછું મોકલવું, અથવા (3) તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવું. રાજ્યપાલ બિલને અનિશ્ચિત સમય સુધી રોકીને કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ પેદા કરી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે એ સ્વીકાર્યું કે ન્યાયપાલિકા કાયદો બનાવવાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ ન કરી શકે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું કે, વગર કારણનો અનિશ્ચિત વિલંબ ન્યાયિક તપાસ હેઠળ આવી શકે છે.
રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને પાંચ પાનાના રેફરન્સમાં 14 સવાલ કર્યા હતા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ 143(1) હેઠળ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરતા સુપ્રીમ કોર્ટને પાંચ પાનાના રેફરન્સમાં 14 સવાલ કર્યા છે. આ સાથે રાષ્ટ્રપતિએ વિધાનસભા અને સંસદ દ્વારા પસાર કરેલા બિલો અંગે કલમ 200 અને કલમ 201 હેઠળ રાજ્યપાલ, રાષ્ટ્રપતિની સત્તાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મત માગ્યો છે. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કોઈપણ સવાલોનો અથવા બધા સવાલોનો જવાબ આપવાનો ઇન્કાર કરી શકે છે. કલમ 200 રાજ્ય વિધાનસભા દ્વારા બિલ પસાર કરવા સંબંધિત પરિસ્થિતિઓ અને રાજ્યપાલ પાસે સંમતિ આપવા અથવા સંમતિ રોકવા અથવા બિલને પુન: વિચારણા માટે રાષ્ટ્રપતિને મોકલવા સંબંધેના વિકલ્પો અંગે છે. કલમ 201 રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને વિચારણા માટે અનામત રાખેલા બિલો સંબંધે છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ સુપ્રીમ કોર્ટને પૂછ્યા આ 14 પ્રશ્નો
1. કલમ 200 હેઠળ કોઈ બિલને રજૂ કરવા પર રાજ્યપાલ સમક્ષ બંધારણીય વિકલ્પો કયા છે?
2. શું રાજ્યપાલે કોઈ બિલ રજૂ થતા મંત્રીપરિષદની સલાહ ફરજિયાત માનવી જ પડે?
3. કલમ 200 હેઠળ રાજ્યપાલ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે કે નહીં?
4. કલમ 361 શું રાજ્યપાલના કાર્યોની ન્યાયિક સમીક્ષા પર પૂર્ણ પ્રતિબંધ લગાવે છે?
5. શું રાજ્યપાલ માટે કોઈ બિલ પર કાર્યવાહી માટે સમય મર્યાદા નિશ્ચિત કરી શકાય છે?
6. કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે કે નહીં?
7. શું રાષ્ટ્રપતિ દ્વારા વિવેકાધિકારનો ઉપયોગ કરવા માટે સમય મર્યાદા નિશ્ચિત કરી શકાય?
8. શું રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ પાસે બિલ મોકલવાની સ્થિતિમાં રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટ પાસેથી મત લેવો ફરજિયાત છે?
9. શું કલમ 200 અને 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના નિર્ણય કાયદાના અમલી બનતા પહેલા ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે? શું બિલને કાયદો બનતા પહેલા તેની સામગ્રી પર કોર્ટ વિચાર કરી શકે છે?
10. શું કલમ 142 હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના બંધારણીય આદેશોને બદલી શકે છે?
11. રાજ્ય વિધાન મંડળ દ્વારા પસાર કાયદા શું રાજ્યપાલની સ્વીકૃતિ વિના અમલી માની શકાય?
12. શું કલમ 143(3) હેઠળ કોઈ બંધારણીય પ્રશ્ન પર વિચાર માટે સુપ્રીમ કોર્ટની લઘુત્તમ પાંચ ન્યાયાધીશોવાળી બેન્ચનું હોવું અનિવાર્ય છે?
13. શું કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટની શક્તિઓ માત્ર પ્રક્રિયા સુધી મર્યાદિત છે અથવા સબટેન્ટિવ કાયદાથી વિપરિત આદેશ પણ આપી શકે છે?
14. શું બંધારણની કલમ 131 હેઠળ દાખલ કેસ ઉપરાંત, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદોના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટના અન્ય કોઈ અધિકાર ક્ષેત્ર પર પ્રતિબંધ છે?
અહીંથી શરુ થયો હતો વિવાદ
તમિલનાડુ સરકારે અનામત બિલ પર રાજ્યપાલ આર.એન. રવિ તરફથી મંજૂરી આપવાનો ઇન્કાર કરતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે 8 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરી રાજ્યપાલ આર એન રવિના બિલોને પેન્ડિંગ રાખવાના નિર્ણયને નકારી કાઢ્યો હતો અને પહેલી વખત રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભા અથવા સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બિલોને મંજૂરી આપવા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે ચુકાદામાં કહ્યું હતું કે, કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્ય ન્યાયિક સમીક્ષાને આધીન છે. આદેશમાં એમ પણ કહેવાયું કે, બંધારણની કલમ 201 હેઠળ કોઈ બિલ રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવે તો રાષ્ટ્રપતિએ તેને સહમતિ આપવી જોઈએ અથવા અસહમતિ વ્યક્ત કરવી જોઈએ. જોકે, બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમય મર્યાદા નિશ્ચિત કરાઈ નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિ પાસે પોકેટ વીટોનો અધિકાર નથી. એટલે કે તેઓ અનિશ્ચિતકાળ સુધી પોતાના નિર્ણયને અનામત રાખી શકે નહીં.








