ધર્મના નામે રાજકારણ કરતાં ઠેકેદારો આજે સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે: સ્વામી પ્રસાદ મૌર્ય
ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને તેમના

ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને તેમના જનતા પાર્ટીના પ્રમુખ સ્વામી પ્રસાદ મૌર્ય તેમના ભાજપ અને મુખ્યમંત્રી યોગી મુદ્દે આપેલા નિવેદનને કારણે ચર્ચમાં છે. તેમણે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીયક્ષેત્રે ઉથલપાથલ મચાવી છે. મૌર્યએ કહ્યું કે, 'જય શ્રી રામ' અને 'જય બજરંગબલી' જેવા ધાર્મિક સૂત્રો હવે રમખાણો ભડકાવવા અને નફરત ફેલાવવાનું લાયસન્સ બની ગયા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર અને તેમના સમર્થકો ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે આ સૂત્રોનો ઉપયોગ કરી રહ્યા છે, અને વધુમાં ખૂદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવી ઘટનાઓને પ્રોત્સાહન આપે છે.
સરકાર નિર્દોષ મુસ્લિમોના ઘરો પર બુલડોઝર ચલાવે છે
મૌર્યએ તેમના નિવેદનમાં આગળ કહ્યું હતું કે, 'ધર્મના નામે રાજકારણ કરતાં ઠેકેદારો આજે સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ધર્મના નામે લોકો આતંકવાદના રસ્તે આગળ વધી રહ્યા છે. 'જય શ્રી રામ' અને 'જય બજરંગબલી' ના સૂત્રો હવે દુકાનો, ઘરો, ઈદગાહ, મસ્જિદો અને મદરેસાઓ પર હુમલા માટે સંકેત બની ગયા છે. કમનસીબે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી તેમને ટેકો આપી રહ્યા છે. આવા ગુનેગારો સામે કાર્યવાહી કરવાને બદલે સરકાર નિર્દોષ મુસ્લિમોના ઘરો પર બુલડોઝર ચલાવે છે.'
'ગુંડાઓ, માફિયાઓ અને ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે'
મૌર્યએ વધુમાં જણાવ્યું હતું કે, 'તેમાં દુઃખની વાત એ છે કે, મુખ્યમંત્રી પોતે કોર્ટની ભૂમિકા નીભાવવા લાગ્યા છે. કોર્ટે જે કામ કરવું જોઈએ, તે મુખ્યમંત્રી પોતાના હાથમાં લે છે. નિર્દોષ લોકોના ઘરો, મદરેસાઓ અને મસ્જિદો પર બુલડોઝર ચલાવવામાં આવે છે, જ્યારે ગુંડાઓ, માફિયાઓ અને ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પરંતુ, જો કોઈ ગુનેગાર મુખ્યમંત્રીની પસંદગીનો હોય, તો બુલડોઝર ક્યારેય તેના ઘરે જતું નથી.'








