આતંક ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ; જમ્મુના ગુમ થયેલા 30 આતંકીઓ પાકિસ્તાનમાં સક્રિય

જમ્મુ કાશ્મીરના ડીજીપીએ આતંકવાદને લઇને મોટો ખુલાસો કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે જમ્મુમાંથી ૩૦ આતંકીઓ ત્રણ દસકા પહેલા ગૂમ થઇ ગયા હતા, તેઓ ખરેખર પાકિસ્તાનમાં ગયા હતા અને હાલ આતંકવાદીઓને તાલિમ આપી રહ્યા છે. ભારતમાં આતંકવાદના ફેલાવા માટે આ તાલિમ આપવામાં આવી રહી હતી. હાલ પણ પાક.થી આ આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં અન્ય આતંકીઓને મદદ પુરી પાડવા પ્રયાસો કરી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરના ડીજીપી નલીન પ્રભાતે કહ્યું હતું કે જમ્મુના રીઆસી જિલ્લાના આશરે ૩૦ આતંકવાદીઓ ૧૯૯૧થી ૨૦૦૩ દરમિયાન ગુમ રહ્યા હતા, તેઓ ખરેખર પાકિસ્તાનમાં પ્રવેશ્યા હતા અને ત્યાં તાલિમ લીધી હતી.
આ આતંકીઓ હાલ પણ પાકિસ્તાનમાં જ સક્રિય છે અને ત્યાંથી ભારત વિરોધી ગુના આચરી રહ્યા છે. આ આતંકીઓ હાલ એક આતંકી સંગઠન માટે કામ કરી રહ્યા છે અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદના ફરી ફેલાવા માટે નાણા, હથિયારો સહિતની મદદ પુરી પાડી રહ્યા છે.
માહોર પોલીસ સ્ટેશનને વિશ્વાસપાત્ર સુત્રો દ્વારા આ આતંકીઓ અંગે માહિતી મળી હતી, આતંકીઓ હાલ હિઝબુલ મુજાહિદ્દીન માટે કામ કરી રહ્યા છે. અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા હથિયારો, નાણા પુરા પાડવા સહિતની મદદ પુરી પાડી રહ્યા છે. સાથે જ યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જમ્મુના આ આતંકવાદીઓના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે જેમ કે કાયૂમ, સબદર, ગુલામ, ગુલામ કાદરી વગેરેનો સમાવેશ થાય છે.
બીજી તરફ જમ્મુથી વોન્ટેડ શંકાસ્પદ આતંકવાદી ઉઝૈદની મેરઠમાં ધરપકડ કરવામાં આવી હતી, તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી ઉઝૈદ સગીર વયના ટાર્ગેટ કરીને તેમને આતંકી પ્રવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલુ જ નહીં જમ્મુ કાશ્મીરમાં સૈન્ય કેમ્પ પર પુલવામા જેવો હુમલો કરવાનું કાવતરુ પણ ઘડી રહ્યા હતા. ઝડપાયેલો કથિત આતંકી આત્મઘાતી હુમલા માટે ઉપયોગમાં લેવાતી જેકેટ માટે તેમજ તાલિમ લેવા પાકિસ્તાનમાં જવાનો હતો.












