'લાંચ આપ્યા વિના નોકરી મળતી નથી' કહી ઉમેદવારોને ફસાવ્યા, કોઈએ FD તોડી તો કોઈએ બહેનના લગ્નના પૈસા આપ્યા! EDનો ખુલાસો

'લાંચ આપ્યા વિના નોકરી મળતી નથી' કહી ઉમેદવારોને ફસાવ્યા, કોઈએ FD તોડી તો કોઈએ બહેનના લગ્નના પૈસા આપ્યા! EDનો ખુલાસો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશન (KPSC)ના કથિત ભરતી કૌભાંડમાં વચેટિયાઓએ ઉમેદવારો વચ્ચે એવી માન્યતા ફેલાવી હતી કે લાંચ આપ્યા વિના સરકારી નોકરી મેળવવી અશક્ય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આરોપ લગાવ્યો છે કે વચેટિયાઓએ આ માન્યતાનો લાભ ઉઠાવીને ઉમેદવારોને લાંચ આપવા માટે લોન લેવા અને પોતાની બચત વાપરવા મજબૂર કર્યા હતા. EDએ 13 નવેમ્બરના રોજ દાખલ કરેલી પ્રોસિક્યુશન ફરિયાદ (ચાર્જશીટ સમકક્ષ)માં આ ગંભીર આક્ષેપો કર્યા છે.

એજન્સીના જણાવ્યા અનુસાર, વેટરનરી ઓફિસરની ભરતી માટે પરીક્ષા આપનારા ઉમેદવારોમાં વચેટિયાઓએ એવી વાત ફેલાવી હતી કે KPSCની ભરતી પરીક્ષામાં લાંચ આપ્યા વિના કોઈની પસંદગી થઈ શકતી નથી. ઉમેદવારોમાં આ વાત એક પ્રકારના 'ઓપન સિક્રેટ' એટલે કે સર્વવિદિત હકીકત તરીકે પ્રચલિત થઈ ગઈ હતી. ત્યારબાદ વચેટિયાઓ ઉમેદવારોનો સીધો સંપર્ક કરતા અથવા તેમના માતા-પિતા, મિત્રો અને સહકર્મીઓ મારફતે લાંચની માંગણી કરતા હતા.

જાહેરાત

એક અહેવાલ મુજબ ચાર ઉમેદવારોએ પસંદગીની ગેરંટી આપવાના પ્રારંભિક વચનો બાદ વાટાઘાટ કરીને 25 લાખ રૂપિયા સુધીની લાંચ ચૂકવી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે આ ચારેય ઉમેદવારોએ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં લગભગ 90 ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હતા.

'ઉમેદવારોની આર્થિક મુશ્કેલીઓનો પણ ઉઠાવ્યો લાભ'

EDએ આરોપ લગાવ્યો છે કે વચેટિયાઓએ ઉમેદવારોની આર્થિક અને સામાજિક પરિસ્થિતિનો પણ ફાયદો ઉઠાવ્યો હતો. તેમાં આર્થિક સંકડામણ, પરિવારના સભ્યનું અવસાન અને અન્ય સ્પર્ધકોની સરખામણીમાં પાછળ રહી જવાનો ડર જેવી બાબતોનો સમાવેશ થાય છે.

એજન્સીના જણાવ્યા અનુસાર, વચેટિયાઓની આ યુક્તિઓને કારણે જરૂરિયાતમંદ અને મુશ્કેલીમાં મુકાયેલા ઉમેદવારોને એવું લાગવા લાગ્યું હતું કે તેમની પાસે લાંચ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જોકે, આ પૈકીના ઘણા ઉમેદવારો પોતાની ક્ષમતા અને મેરિટના આધારે પણ ભરતી પરીક્ષા પાસ કરી શકે તેમ હતા.

ચાર ઉમેદવારોમાંથી એકે લાંચની રકમ ચૂકવવા માટે લીધેલી 13 લાખ રૂપિયાની પર્સનલ લોનનો એક ભાગ વાપર્યો હતો. જ્યારે અન્ય એક ઉમેદવારના પિતાએ આશરે 6 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડાવી નાખી હતી અને સંબંધીઓ તથા મિત્રો પાસેથી લગભગ 11 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.

બહેનના લગ્ન માટે રાખેલી રકમ પણ લાંચમાં આપી

ચાર ઉમેદવારોમાંથી એક ઉમેદવાર તે સમયે કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)માં વેટરનરી ઓફિસર તરીકે નોકરી કરતો હતો અને દર મહિને આશરે 52 હજાર રૂપિયા પગાર મેળવતો હતો. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેને એવી માહિતી મળી હતી કે સરકારી નોકરીમાં પસંદગી માત્ર લાંચના આધારે જ થાય છે અને જનરલ કેટેગરી માટે માત્ર 32 બેઠકો જ ઉપલબ્ધ છે. આ વાતથી પ્રભાવિત થઈને તેણે વચેટિયાને 10 લાખ રૂપિયા એડવાન્સ રોકડમાં ચૂકવ્યા હતા. આ રકમમાં તેની બહેનના લગ્ન માટે અલગ રાખવામાં આવેલા પૈસા પણ સામેલ હતા.

બાળક હોસ્પિટલમાં દાખલ હતું, છતાં 30 લાખની લાંચ આપી

અન્ય એક ઉમેદવાર કોન્ટ્રાક્ટ આધારિત વેટરનરી ડૉક્ટર તરીકે કામ કરતો હતો અને વાર્ષિક આશરે 6.2 લાખ રૂપિયા કમાતો હતો. ડિસેમ્બર 2025માં એક વચેટિયાએ તેની પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તે સમયે તેના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું હોવાથી તેણે શરૂઆતમાં આ માંગણી ફગાવી દીધી હતી.

જોકે, પરીક્ષા આપ્યા બાદ તેને ઓછા ગુણ આવવાનો ડર સતાવવા લાગ્યો હતો. આથી તેણે વચેટિયાને 30 લાખ રૂપિયા રોકડમાં ચૂકવ્યા હતા. આ રકમની વ્યવસ્થા કરવા માટે તેણે 8 લાખ રૂપિયાની ગોલ્ડ લોન, પત્નીના નામે 8.5 લાખ રૂપિયાની ટોપ-અપ લોન, પોતાની બચત અને સંબંધીઓ-મિત્રો પાસેથી લીધેલી ઉધારીનો સહારો લીધો હતો.

જોકે, અંતિમ પરિણામ જાહેર થયા બાદ તેના ગુણમાં કોઈ ફેરફાર થયો નહોતો. ત્યારબાદ તેને જાણવા મળ્યું કે વચેટિયાએ તેની પાસેથી લીધેલી રોકડ રકમ તેના જ એક મિત્ર અને અન્ય ઉમેદવારની બાકી રકમમાં એડજસ્ટ કરી દીધી હતી. મિત્રએ નોકરી મળ્યા બાદ પૈસા પરત આપવાની ખાતરી આપતાં આ ઉમેદવારે આ રકમને લોન તરીકે ગણી હતી.

30 લાખની લાંચ આપવાનો ઇનકાર કરનાર ઉમેદવારને 23મો રેન્ક

આ સમગ્ર કૌભાંડમાં બિદરના એક ઉમેદવારનું ઉદાહરણ પણ સામે આવ્યું છે. આ ઉમેદવારે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 9.21 CGPA મેળવ્યો હતો. ED સમક્ષ આપેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે એક વચેટિયાએ તેની પાસે 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેણે લાંચ આપવાનો ઇનકાર કર્યો હતો.

ઉમેદવારના પિતાએ પણ વચેટિયાને મળવા બદલ તેને ઠપકો આપ્યો હતો. ખાસ વાત એ છે કે લાંચ આપવાનો ઇનકાર કરવા છતાં આ ઉમેદવારે ભરતી પરીક્ષામાં 23મો રેન્ક મેળવ્યો હતો. EDના આ ખુલાસાથી કથિત KPSC ભરતી કૌભાંડમાં વચેટિયાઓ દ્વારા ઉમેદવારો પર ઊભા કરવામાં આવતા દબાણ અને લાંચ વસૂલવાની પદ્ધતિ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત