વાડીનાર બંદરે વિદેશી જહાજની ધરપકડનો હાઇકોર્ટનો આદેશ, ₹27 કરોડની ગેરંટી આપ્યા બાદ જ મળશે મુક્તિ!

વાડીનાર બંદરે વિદેશી જહાજની ધરપકડનો હાઇકોર્ટનો આદેશ, ₹27 કરોડની ગેરંટી આપ્યા બાદ જ મળશે મુક્તિ!
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

ગુજરાતના વાડીનાર બંદરે લાંગરેલા વિદેશી ઓઇલ ટેન્કર મામલે ગુજરાત હાઇકોર્ટે મોટો આદેશ આપ્યો છે. યુનાઇટેડ કિંગડમ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા M.T. ONEIROI નામના જહાજને તાત્કાલિક અસરથી એરેસ્ટ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જહાજના માલિકે આશરે 27 કરોડ રૂપિયા જમા કરાવવા અથવા તેટલી રકમની બેંક ગેરંટી આપવી પડશે.

આ સમગ્ર મામલો એપકોર શિપિંગ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલા દાવા સાથે જોડાયેલો છે. એપકોરે 5 જૂન, 2026ના રોજ જહાજના માલિક સાથે 60 દિવસ માટે ભાડા કરાર કર્યો હતો. આ માટે પ્રતિદિન 52 હજાર અમેરિકન ડોલરના હિસાબે કુલ 31.20 લાખ ડોલરનું એડવાન્સ ભાડું ચૂકવવામાં આવ્યું હતું.

જાહેરાત

જોકે, જહાજની ડિલિવરીના બે દિવસ પહેલાં એટલે કે 16 જૂનના રોજ UK દ્વારા રશિયા સંબંધિત નિયમો હેઠળ જહાજ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ પ્રતિબંધની જાણ ન કરાતા એપકોરે કરાર રદ કર્યો હતો અને જહાજ ઇજિપ્તના પોર્ટ સૈયદ ખાતે પરત સોંપ્યું હતું.

કરાર વહેલો પૂર્ણ થતાં વણવપરાયેલા એડવાન્સ ભાડા અને બાકી રહેલા બળતણના નાણાં સહિત વ્યાજ તથા કાનૂની ખર્ચ મળીને કુલ 29.03 લાખ અમેરિકન ડોલરનો દાવો કરવામાં આવ્યો છે. જે ભારતીય ચલણમાં આશરે 27.07 કરોડ રૂપિયા થાય છે.

હાલમાં આ જહાજ વાડીનાર બંદરે કાર્ગો ઓપરેશન માટે લાંગરેલું છે. જહાજ ભારતીય જળસીમા છોડીને જતું રહે તો નાણાંની વસૂલાત મુશ્કેલ બને તેવી રજૂઆત અરજદાર દ્વારા કરવામાં આવી હતી.

જેને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે એડમિરલ્ટી એક્ટ હેઠળ જહાજને તેના એન્જિન, સાધનસામગ્રી અને બળતણ સહિત તાત્કાલિક એરેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. હવે કોર્ટની મંજૂરી વિના જહાજ વાડીનાર બંદર કે કોર્ટની હદ છોડી શકશે નહીં.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જહાજના માલિક 29.03 લાખ અમેરિકન ડોલરની બેંક ગેરંટી, P&I ક્લબનું લેટર ઓફ અંડરટેકિંગ અથવા રોકડ રકમ જમા કરાવે તો જ જહાજને મુક્ત કરવામાં આવશે.

આ મામલે પ્રતિવાદીઓને નોટિસ પાઠવવામાં આવી છે અને આગામી સુનાવણી 30 નવેમ્બરના રોજ રાખવામાં આવી છે. આમ, વાડીનાર બંદરે લાંગરેલા વિદેશી જહાજની ધરપકડના હાઇકોર્ટના આદેશથી આંતરરાષ્ટ્રીય શિપિંગ ક્ષેત્રમાં પણ આ મામલો ચર્ચમાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત