ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ: વાડીનાર બંદરે લાંગરેલું વિદેશી ઓઇલ ટેન્કર જપ્ત કરાશે

ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો સાથે જોડાયેલો એક મોટો કાનૂની વિવાદ સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે વાડીનાર બંદરે લાંગરેલા કેમરૂનનો ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર 'MT ONEIROI'ને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. એક શિપિંગ કંપનીએ આશરે 2.9 મિલિયન ડોલર એટલે કે ₹27.1 કરોડની વસૂલાત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. કંપનીનો આક્ષેપ છે કે જહાજ પર બ્રિટન દ્વારા રશિયા સંબંધિત પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવાની હકીકત છુપાવીને તેને ભાડે આપવામાં આવ્યું હતું.
દૈનિક 52 હજાર ડોલરના ભાડે લીધું હતું જહાજ
આ સમગ્ર મામલો 'એપકોર શિપિંગ લિમિટેડ' દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને લઈને છે. કંપનીએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે તેણે 5 જૂનના રોજ માર્શલ આઇલેન્ડ્સમાં નોંધાયેલી જહાજની માલિક કંપની 'ગોલ્ડન ડોરાડો કંપની' પાસેથી MT ONEIROI નામનું ઓઇલ ટેન્કર દૈનિક 52,000 ડોલરના ભાડે લીધું હતું. આ માટે કંપનીએ 60 દિવસનું એડવાન્સ ભાડું એટલે કે કુલ 3.12 મિલિયન ડોલર ચૂકવ્યા હતા. ત્યારબાદ 18 જૂનના રોજ આ જહાજ વાડીનાર બંદરે સોંપવામાં આવ્યું હતું.
રશિયા સંબંધિત પ્રતિબંધોની માહિતી છુપાવવાનો આરોપ
અરજદાર કંપનીના જણાવ્યા મુજબ, બ્રિટને 16 જૂનના રોજ જ રશિયા સંબંધિત 'Russia Sanctions Regulations, 2019' હેઠળ આ જહાજ પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે, જહાજના માલિકોએ આ મહત્ત્વપૂર્ણ માહિતી ભાડે લેનારી કંપનીથી છુપાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રતિબંધોની જાણ થતાં જ એપકોર શિપિંગે ચાર્ટર કરાર તાત્કાલિક અસરથી રદ કર્યો હતો અને ઇજિપ્તના પોર્ટ સૈયદ ખાતે જહાજ પરત સોંપ્યું હોવાનું જણાવ્યું હતું.
₹27.1 કરોડની વસૂલાત માટે હાઈકોર્ટમાં અરજી
કંપનીએ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે જહાજના ઉપયોગમાં ન લેવાયેલા આશરે 31 દિવસના એડવાન્સ ભાડા પેટે માલિકો પાસેથી 1.6 મિલિયન ડોલર પરત લેવાના થાય છે. આ ઉપરાંત, જહાજ પરત સોંપતી વખતે તેમાં રહેલા બળતણ (Bunkers)ની કિંમત પેટે 8.60 લાખ ડોલરની પણ માંગણી કરવામાં આવી છે. આમ, કુલ 2.5 મિલિયન ડોલરની મૂળ રકમ ઉપરાંત 18 ટકા વ્યાજ અને કાયદાકીય ખર્ચ સહિત કંપનીનો કુલ દાવો 2.9 મિલિયન ડોલર એટલે કે આશરે ₹27.1 કરોડ સુધી પહોંચ્યો છે. અરજદાર કંપનીએ એવી પણ દલીલ કરી હતી કે જો જહાજ ભારતીય જળસીમા છોડીને જતું રહેશે તો હાઈકોર્ટના અધિકારક્ષેત્રની બહાર નીકળી જશે અને નાણાંની વસૂલાત મુશ્કેલ બનશે. તેથી જહાજની તાત્કાલિક જપ્તીનો આદેશ આપવા માંગ કરવામાં આવી હતી.
₹27.1 કરોડ જમા કરાવ્યા બાદ જ જહાજ છૂટી શકશે
આ મામલે જસ્ટિસ પી.એમ. રાવલે વચગાળાની રાહત આપતાં નોંધ્યું હતું કે અરજદાર કંપનીએ પ્રથમદર્શી કેસ રજૂ કર્યો છે અને જહાજના માલિકો આ દાવા માટે જવાબદાર હોવાનું જણાય છે. હાઈકોર્ટે વાડીનાર બંદર અને કસ્ટમ્સ સત્તાવાળાઓને MT ONEIROI જહાજને જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. જહાજના માલિકો 2.9 મિલિયન ડોલર એટલે કે આશરે ₹27.1 કરોડ જમા નહીં કરાવે અથવા અરજદાર કંપનીને સ્વીકાર્ય બાંહેધરી નહીં આપે ત્યાં સુધી જપ્તી ચાલુ રહેશે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે વધુ સુનાવણી માટે 30 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. હવે આ વિવાદમાં જહાજના માલિકો તરફથી શું રજૂઆત કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.














