બાવળાના મીઠાપુર ગામે તસ્કરોનો આતંક: મંદિરમાંથી માતાજીનો ચાંદીનો મુગટ-છત્તર અને પંચાયતના બોરના વાયરની ચોરી, ગ્રામજનોમાં ભારે રોષ!

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મીઠાપુર ગામને તસ્કરોએ ફરી એકવાર નિશાન બનાવ્યું છે. ગામમાં આવેલા હિંગળાજ માતાજીના મંદિર તેમજ ગ્રામ પંચાયતના બોર પર ચોરીનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મંદિર અને પંચાયતની મિલકતની ચોરી
પ્રાપ્ત વિગતો અનુસાર, અજાણ્યા તસ્કરોએ મીઠાપુર ગામે આવેલા હિંગળાજ માતાજીના મંદિરમાં પ્રવેશ કરીને માતાજીનો ચાંદીનો મુગટ અને ચાંદીના છત્તરની ચોરી કરી હતી. આ ઉપરાંત, તસ્કરોએ ગ્રામ પંચાયતના બોરમાંથી આશરે 200 ફૂટ જેટલા વાયરની પણ ચોરી કરી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી ગ્રામજનોમાં રોષ
ગામમાં અગાઉ પણ અનેક વખત ચોરીના બનાવો બની ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત મંદિર અને જાહેર મિલકતને તસ્કરોએ ટાર્ગેટ બનાવતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનો દ્વારા તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે.
બગોદરા પોલીસે હાથ ધરી તપાસ
આ ચોરીના બનાવ અંગે બગોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરીને લેખિત અરજી આપવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ગામના અને આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.














