Video: બંધારણ દિવસ પર ચૂંટણી પંચ સામે કોંગ્રેસનો વિરોધ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને બંધારણની નકલ આપવા પહોંચ્યા કાર્યકરો

સોર્સ: gstv

બંધારણ દિવસના અવસરે કોંગ્રેસે ફરી એકવાર ચૂંટણી પંચ સામે વિરોધ નોંધાવ્યો હતો. દિલ્હીમાં કોંગ્રેસ સેવા દળના કાર્યકરો મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને બંધારણની નકલ સોંપવા માટે ચૂંટણી પંચની કચેરીએ પહોંચ્યા હતા. બીજી તરફ, નાગપુરમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 'લોકશાહી બચાવો રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

જ્ઞાનેશ કુમારને બંધારણની નકલ આપવા પહોંચ્યા કોંગ્રેસી કાર્યકરો

દિલ્હીમાં કોંગ્રેસ સેવા દળના કાર્યકરોએ ચૂંટણી પંચની કચેરી તરફ કૂચ કરી હતી. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને બંધારણની નકલ સોંપવા માગતા હતા. કોંગ્રેસ દ્વારા દેશભરમાં યોજવામાં આવી રહેલા 'બંધારણ બચાવો માર્ચ'ના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચ દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ચૂંટણી પંચની કચેરીની બહાર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તહેનાત કરવાની સાથે બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું હતું.

જાહેરાત

કોંગ્રેસે ચૂંટણી પંચ પર લગાવ્યા આક્ષેપ

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કે.સી. વેણુગોપાલ અને જયરામ રમેશે અગાઉ ચૂંટણી પંચ પર બંધારણીય નિયમોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમના મતે લોકશાહી સંસ્થાઓને નબળી પાડવામાં આવી રહી છે. આ વિરોધના પ્રતીકરૂપે મુખ્ય ચૂંટણી કમિશનરને બંધારણની નકલ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોંગ્રેસે સંદેશ આપ્યો હતો કે બંધારણીય પદ પર બેઠેલી દરેક વ્યક્તિની જવાબદારી બંધારણનું સન્માન કરવાની છે.

નાગપુરમાં લોકશાહી બચાવો રેલીમાં મોટી ભીડ

બીજી તરફ, નાગપુરમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત 'ડેમોક્રેસી સેવ રેલી'માં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રેલીને સંબોધતાં CJPના સ્થાપક અભિજિત દીપકેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના શાસનકાળ સાથે કરી હતી. તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે 1970ના દાયકામાં પણ કોઈના પર સરમુખત્યારશાહીનું ભૂત સવાર થયું હતું. આ ટિપ્પણી દ્વારા તેમણે કટોકટીના સમયગાળાનો ઉલ્લેખ કરીને વર્તમાન સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.

પ્રકાશ રાજે ભાજપ પર કર્યા પ્રહાર

રેલીમાં અભિનેતા પ્રકાશ રાજ પણ સામેલ થયા હતા. તેમણે પોતાના ભાષણની શરૂઆત જાણીતા સંવાદ 'ચીટિંગ કરતા હૈ'થી કરી હતી. ત્યારબાદ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું. પ્રકાશ રાજે સૌરવ દાસને ફ્લાઇટમાંથી ઉતારીને કસ્ટડીમાં લેવાની કાર્યવાહીને શરમજનક ગણાવી હતી. તેમણે બંધારણ દિવસને ભારતનો સૌથી મોટો તહેવાર ગણાવીને બંધારણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત