મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દિલ્હીના જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન પર CISF ની સતર્કતા: અંડરગાર્મેન્ટમાં શંકાસ્પદ પદાર્થ છુપાવીને ભાગવા જતો NRI ઝડપાયો

રાજધાની દિલ્હીના જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન પર સુરક્ષા તપાસ દરમિયાન સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના જવાનોએ એક શંકાસ્પદ મુસાફરને ઝડપી પાડ્યો છે. મુસાફરે પોતાના અંડરગાર્મેન્ટમાં એક અજાણ્યો ઘન પદાર્થ છુપાવ્યો હતો અને પકડાઈ જવાના ડરથી તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સુરક્ષા જવાનોએ તેને સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે જ દબોચી લીધો હતો.

X-Ray સ્કેનિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો 

અહેવાલો અનુસાર, નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન એક્સ-રે બેગેજ ઇન્સ્પેક્શન સિસ્ટમ (X-BIS)ની સ્ક્રીન પર એક અત્યંત શંકાસ્પદ અને ઘન પદાર્થ દેખાયો હતો. સુરક્ષા જવાનોને શંકા જતાં મુસાફરે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થળ પર તહેનાત CISF ના સતર્ક જવાનોએ તરત જ તેને એક્ઝિટ ગેટ પાસે ઘેરીને પકડી પાડ્યો હતો.

અંડરગાર્મેન્ટના સિલાઈવાળા ભાગમાં છુપાવ્યો હતો પદાર્થ

CISF દ્વારા મુસાફરની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા તેના અંડરગાર્મેન્ટના ખાસ સીવેલા ભાગમાંથી એક અજાણ્યો નક્કર પદાર્થ મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આ શંકાસ્પદ શખ્સે પોતાની ઓળખ મલેશિયાના કુઆલાલંપુરમાં રહેતા નોન-રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) તરીકે આપી છે.

પોલીસે હાથ ધરી આગળની તપાસ

ઝડપાયેલો પદાર્થ વાસ્તવમાં શું છે અને તેને કયા હેતુથી છુપાવવામાં આવ્યો હતો તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. CISF ના જવાનોએ શંકાસ્પદ મુસાફર અને જપ્ત કરાયેલા સામાનને આગળની કાયદેસરની તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપી દીધો છે. પોલીસ હાલ આ પદાર્થની ફોરેન્સિક ઓળખ કરવા તેમજ આ સમગ્ર ઘટના પાછળ કોઈ દાણચોરી કે ગુનાહિત કાવતરું છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

આ સમાચાર શેર કરો