મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: જબલપુરમાં પારલે-જી ફેક્ટરીમાં ભીષણ આગ: આકાશમાં ધુમાડાના ગોટેગોટા, 8થી વધુ ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે દોડ્યા!

મધ્યપ્રદેશના જબલપુર સ્થિત રિછાઈ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી જાણીતી પારલે-જી બિસ્કિટ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગવાની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવા માટે મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ ઘટના અંગે એએસપી (ASP) મનીષ ભારદ્વાજે માહિતી આપતાં જણાવ્યું કે, "અધરતાલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા રિછાઈ ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગવાની માહિતી મળતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ 8થી વધુ ફાયર ટેન્ડર (લાયબંબા) સ્થળ પર હાજર છે અને આગ ઓલવવાની કામગીરી સતત ચાલુ છે. તેની સાથે સાથે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે."

કોઈ જાનહાનિ નહીં, શોર્ટ સર્કિટની આશંકા

સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈના મોત કે ગંભીર ઈજાના અહેવાલ નથી. આગ લાગવાના કારણ અંગે અધિકારીએ જણાવ્યું કે, સ્થળ પર હાજર લોકોના પ્રાથમિક અંદાજ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે. જોકે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ અને મૂલ્યાંકન કરવામાં આવ્યા બાદ જ આગ લાગવાનું સચોટ કારણ જાણી શકાશે.

આગના કારણે ફેક્ટરીમાં મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે, પરંતુ સત્તાવાર આંકડા અને વિગતો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો