લેટરલ એન્ટ્રી વિવાદ મામલે હવે ભાજપથી નારાજ થયા ચિરાગ પાસવાન; જાણો શું છે લેટરલ એન્ટ્રી વિવાદ
વિપક્ષનો આરોપ છે કે લેટરલ એન્ટ્રી દ્વારા સરકારી કર્મચારીઓની ભ

વિપક્ષનો આરોપ છે કે લેટરલ એન્ટ્રી દ્વારા સરકારી કર્મચારીઓની ભરતી કરવાનું આ પગલું રાષ્ટ્ર વિરોધી પગલું છે. આવી કાર્યવાહીને કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોનું અનામત ખુલ્લેઆમ છીનવાઈ રહ્યું છે.
લેટરલ એન્ટ્રી દ્વારા સરકારી હોદ્દા પર નિમણૂકના મુદ્દે ભાજપના નેતૃત્વ હેઠળના NDAમાં પણ વિરોધના અવાજો ઉઠવા લાગ્યા છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને, જે એનડીએ ગઠબંધનનો ભાગ છે, આવી નિમણૂંકો કરવાના પગલાની ટીકા કરી છે. તેમણે સોમવારે કહ્યું કે તેઓ આ મુદ્દો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવશે. ચિરાગે કહ્યું, 'કોઈપણ સરકારી નિમણૂકમાં અનામતની જોગવાઈ હોવી જોઈએ. આમાં કોઈ ‘જો કે બટ’ નથી. પ્રાઈવેટ સેક્ટરમાં કોઈ અનામત નથી અને સરકારી પોસ્ટમાં પણ તેનો અમલ થતો નથી. આ માહિતી રવિવારે મારી પાસે આવી અને તે મારા માટે ચિંતાનો વિષય છે.
ચિરાગ પાસવાને કહ્યું કે સરકારના સભ્ય તરીકે તેમની પાસે આ મુદ્દો ઉઠાવવાનું પ્લેટફોર્મ છે અને તેઓ આમ કરશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી તેમની પાર્ટીનો સવાલ છે, તે આવા પગલાના સમર્થનમાં બિલકુલ નથી. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે તાજેતરમાં કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રી દ્વારા વિવિધ કેન્દ્રીય મંત્રાલયોમાં 45 નિષ્ણાતોની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી. આ નિમણૂંકો સંયુક્ત સચિવ, નિયામક અને નાયબ સચિવ જેવી મહત્ત્વની જગ્યાઓ પર કરારના આધારે કરવામાં આવશે. સામાન્ય રીતે આવી પોસ્ટ્સનું સંચાલન અખિલ ભારતીય સેવાઓ - ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વન સેવા (IFOS) અને અન્ય જૂથ A સેવાઓના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ શનિવારે 10 જોઈન્ટ સેક્રેટરી અને 35 ડાયરેક્ટર/ડેપ્યુટી સેક્રેટરી પોસ્ટ્સ સહિત 45 પોસ્ટ માટે જાહેરાત કરી હતી. આ જગ્યાઓ કોન્ટ્રાક્ટના આધારે લેટરલ એન્ટ્રી દ્વારા ભરવાની છે. આ અંગે વિપક્ષનો આરોપ છે કે લેટરલ એન્ટ્રી દ્વારા લોકસેવકોની ભરતી કરવાનું આ પગલું રાષ્ટ્ર વિરોધી પગલું છે. આવી કાર્યવાહીને કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોનું અનામત ખુલ્લેઆમ છીનવાઈ રહ્યું છે.
'લેટરલ એન્ટ્રી' દ્વારા પ્રશાસનમાં ઊંચા હોદા ઉપર 'એક્સપર્ટ' ની નિમણૂક કરવાની સરકારે લીધેલા નિર્ણય ઘણાં સવાલોથી ઘેરાઈ ગયો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ કેન્દ્રના પ્રશાસનમાં ઊંચા હોદા પર નિમણૂક 'લેટરલ એન્ટ્રી' દ્વારા કરવાની જાહેરાત કરી હતી. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેને 'રાષ્ટ્ર વિરોધી પગલું' ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘આ નિર્ણય કરીને સરકાર ખુલ્લેઆમ અનામત છીનવી રહી છે'. રાહુલના આરોપો પર સરકારે વળતો પ્રહાર કર્યો હતો.
ચાલો, જાણીએ લેટરલ એન્ટ્રી શું છે અને તેનો વિપક્ષો વિરોધ કેમ કરી રહ્યા છે...
અનામત ખતમ કરવાની મોદીની ગેરંટી
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'લેટરલ એન્ટ્રી' દ્વારા ભરતી એ 'રાષ્ટ્ર વિરોધી પગલું' છે. આ પ્રકારની ભરતીના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોનું આરક્ષણ છીનવાઈ રહ્યું છે'. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને બદલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. મેં હંમેશા કહ્યું છે કે ટોચના અમલદારો સહિત દેશના તમામ ટોચના હોદ્દા પર વંચિતોને પ્રતિનિધિત્વ નથી મળતું, તેને સુધારવાને બદલે સરકાર તેમને લેટરલ એન્ટ્રી દ્વારા ટોચના હોદ્દા પરથી દૂર કરી રહી છે. સરકસર યુપીએસસીની તૈયારી કરી રહેલા પ્રતિભાશાળી યુવાનોના અધિકારો પર તરાપ મારી રહી છે અને વંચિતો માટે અનામત સહિત સામાજિક ન્યાયની વ્યવસ્થા પર હુમલો કરી રહી છે. વહીવટી માળખા અને સામાજિક ન્યાય બંનેને નુકસાન કરનાર આ રાષ્ટ્રવિરોધી પગલાનો 'INDIA' ગઠબંધન સખત વિરોધ કરશે. IASનું 'ખાનગીકરણ' કરી અનામત ખતમ કરવાની મોદીની ગેરંટી છે.'
UPSC કઈ રીતે 'લેટરલ એન્ટ્રી' માટેની ભરતી કરે છે?
UPSC એ કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં 45 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે, જેમાં 10 ને જોઈન્ટ સેક્રેટરી અને 35 ને ડાયરેક્ટર/ડેપ્યુટી સેક્રેટરીના પદ પર 45 નિષ્ણાતોની નિમણૂક માટે જાહેરાત આપવામાં આવી છે. સામાન્ય રીતે આ ઉચ્ચ હોદાઓ અખિલ ભારતીય સેવાઓ જેવી કે ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વન સેવા (IFOS), અને અન્ય 'ગ્રૂપ A' સેવાઓના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. હવે આ જગ્યાઓને કરારના આધારે ત્રણ વર્ષના(પ્રદર્શનના આધારે પાંચ વર્ષ સુધી વધારી શકાય) સમયગાળા માટે ભરવામાં આવશે.
લેટરલ એન્ટ્રી માટે કોણ આવેદન કરી શકે અને પગાર કેટલો આપવામાં આવે છે?
ડિરેક્ટર કક્ષાની પોસ્ટ માટે લઘુતમ ઉંમર 35 વર્ષ અને મહત્તમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવી છે. પસંદ કરાયેલા ઉમેદવારોને અંદાજે રૂ. 2.32 લાખનો પગાર મળશે. ડેપ્યુટી સેક્રેટરી સુધીના સ્તર માટે, લઘુતમ ઉંમર 32 વર્ષ અને મહત્તમ 40 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. આ સ્તર માટે અંદાજે 1.52 લાખનો કુલ પગાર નક્કી કરવામાં આવ્યો છે. જોઈન્ટ સેક્રેટરી સ્તરના પદ માટે લઘુતમ અને મહત્તમ વય મર્યાદા 40 અને 55 વર્ષ છે. મોંઘવારી ભથ્થું, પરિવહન અને મકાન ભાડાના ભથ્થા સહિત અંદાજિત કુલ પગાર આશરે રૂ. 2.7 લાખ આપવામાં આવે છે.







