બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર, મૈથિલી ઠાકુરને મળી ટિકિટ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે કૂલ 12 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.ભાજપે બીજી યાદીમાં મૈથિલી ઠાકુરને પણ ટિકિટ આપી છે.
ભાજપે વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપી
ભાજપે ઉમેદવારોની બીજી યાદીમાં 12 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. મૈથિલી ઠાકુરને અલીનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. વર્તમાન ધારાસભ્ય મિશ્રીલાલ યાદવની ટિકિટ કાપવામાં આવી છે. મૈથિલી ઠાકુરની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન બેસ અને મિથિલા વિસ્તારમાં લોકપ્રિયતાને જોતા ભાજપ તેને પોતાના પ્રચાર અભિયાનનો ચહેરો પણ બનાવી શકે છે.મૈથિલી ઠાકુરને ટિકિટ મળતા જ બિહારની લોક-સંસ્કૃતિ સાથે જોડાયેલી કોઇ જાણીતી ગાયિકા રાજકીય મેદાનમાં પ્રથમ વખત ઉતરશે.
કોણ છે મૈથિલી ઠાકુર?
મૈથિલી ઠાકુર બિહારની જાણીતી સિંગર છે. તે દરભંગાની રહેવાસી છે. મૈથિલી લોક સંગીત માટે તે જાણીતી છે. વિદેશમાં પણ મૈથિલી કૉન્સર્ટ કરે છે. 25 વર્ષની સિંગર મિથિલા સંસ્કૃતિ માટે જાણીતી છે. બાળપણથી જ મૈથિલીને ગાવાનો શોખ છે. તે પ્લેબેક સિંગર છે. ક્લાસિકલ મ્યૂઝિકમાં તેની ટ્રેનિંગ થઇ છે. મૈથિલીએ કેટલીક ભાષામાં ગાયન પણ ગાયા છે. મૈથિલીના પિતા રમેશ ઠાકુર અને માતા ભારતી ઠાકુર મૈથિલી મ્યુઝિશિયન છે.
ભાજપે પ્રથમ યાદીમાં 71 ઉમેદવારના નામ કર્યા હતા જાહેર
ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે પોતાની પ્રથમ યાદીમાં કૂલ 71 ઉમેદવારના નામ સામેલ કર્યા હતા.આ યાદીમાં પાર્ટીના સીનિયર નેતા સમ્રાટ ચૌધરીને તારાપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રામકૃપાલ યાદવને દાનાપુર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
રેણુ દેવી (બેતિયા), પ્રમોદ કુમાર સિન્હા (રક્સૌલ), શ્યામબાબુ પ્રસાદ યાદવ (પિપરા), નીતિશ મિશ્રા (ઝંઝારપુર) સહિત કેટલાક નેતાઓને ટિકિટ મળી છે. આ યાદી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ જાહેર કરી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય સીનિયર નેતા સામેલ હતા.








