મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કરૂર દુર્ઘટનામાં ભાજપ રાજનીતિ કરે છે, વિજય અહંકારી અને પૈસાના ભૂખ્યાઃ સ્ટાલિન

કરુર નાસભાગ મામલે હજુ પણ રાજકીય નેતાઓ દ્વારા આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છ

કરૂર દુર્ઘટનામાં ભાજપ રાજનીતિ કરે છે, વિજય અહંકારી અને પૈસાના ભૂખ્યાઃ સ્ટાલિન

કરુર નાસભાગ મામલે હજુ પણ રાજકીય નેતાઓ દ્વારા આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. ડીએમકે પાર્ટીએ ફિલ્મ અભિનેતા  અને ટીવીકેના ચીફ વિજય પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. તેના મુખપત્ર મુરાસોલીમાં પ્રકાશિત એક લેખમાં ડીએમકેએ વિજયની આકરી ટીકા કરતા કહ્યું કે, 'વિજયે જે વીડિયો જાહેર કર્યો છે તે તેમના ઘમંડ, પૈસા અને પ્રસિદ્ધિની ભૂખ તથા સત્તા માટેની લાલસા દર્શાવે છે.'

વિજય પર ડીએમકેનો કટાક્ષ

વિજયે એક વીડિયો જાહેર કર્યો હતો. તેમાં તે કહી રહ્યા હતા કે, સરકારે મારી વિરૂદ્ધ જે પણ કાર્યવાહી કરવી હોય, તે કરે, પરંતુ મારા પક્ષના કાર્યકરોને છોડી દે. વિજયના આ વીડિયો પર કટાક્ષ કરતાં ડીએમકેએ કહ્યું, 'વિજયે સરકારના દબાણ હેઠળ જ મૃતકોના પરિવારોને 20 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. જ્યારે સરકારે 10 લાખ રૂપિયાની ઓફર કરી હતી, ત્યારે તેમણે 20 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. પરંતુ જો સરકારે 1 લાખ રૂપિયાની ઓફર કરી હોત, તો વિજય 2 લાખ રૂપિયાની ઓફર મૂકતાં.'

CM સ્ટાલિનનો ભાજપ પર પણ પ્રહાર

મુખ્યમંત્રી સ્ટાલિને કરૂર નાસભાગ મામલે ભાજપ દ્વારા પ્રતિનિધિમંડળ બનાવવાની ટીકા કરી હતી. તેમણે ભાજપ પર કરૂર નાસભાગ પર રાજનીતિ કરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, 'ભાજપને લોકોની ચિંતા કરતાં આગામી ચૂંટણીઓની વધુ ચિંતા છે. રામનાથપુરમ જિલ્લામાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતાં સીએમ સ્ટાલિને કહ્યું કે, જ્યારે તમિલનાડુમાં ત્રણ મોટી આફતનો સામનો કરવો પડ્યો, જેનાથી હજારો લોકો પ્રભાવિત થયા, ત્યારે કેન્દ્ર સરકારમાંથી કોઈએ રાજ્યની મુલાકાત લીધી ન હતી કે, કોઈ ફંડ ફાળવ્યું હતું. પરંતુ ભાજપે કરુર ઘટનાની તપાસ માટે તાત્કાલિક એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે, જ્યારે મણિપુર રમખાણો, ગુજરાતની ઘટના અથવા કુંભ મેળામાં થયેલા મૃત્યુની તપાસ માટે કોઈએ મુલાકાત લીધી નથી. ભાજપને તમિલનાડુના લોકોની ચિંતા નથી; તેઓ ફક્ત આવતા વર્ષની વિધાનસભા ચૂંટણીઓની ચિંતા કરે છે.'

AIADMKની પણ ટીકા કરી

મુખ્યમંત્રીએ AIADMK પર પણ નિશાન સાધતા કહ્યું કે ભાજપ રાજ્યના હિતોને અવગણી રહી છે, પરંતુ AIADMK તેને ટેકો આપી રહી છે. આ દુઃખની ઘડીમાં સરકાર સાથે મજબૂત રીતે ઊભા રહેવાને બદલે AIADMK ભાજપને આધીન નિવેદનો અને આરોપ-પ્રત્યારોપ કરી રહી છે.

આ સમાચાર શેર કરો