બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશે, સાંજે 4 વાગ્યે ચૂંટણી પંચની પત્રકાર પરિષદ
બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થશે. સાંજે 4 વાગ્યે ચૂંટણી પંચની પત્રકાર પરિષદ યોજાશે. ચૂ

બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થશે. સાંજે 4 વાગ્યે ચૂંટણી પંચની પત્રકાર પરિષદ યોજાશે. ચૂંટણી પંચની ટીમ 2 દિવસ બિહારના પ્રવાસે હતી અને તેમણે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ સિંહે કહ્યું હતું કે 22 નવેમ્બર પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે
BLO (બૂથ લેવલ ઓફિસર)ને હવે આધુનિક સ્માર્ટ ID કાર્ડ આપવામાં આવ્યા છે, તેઓ જ્યારે મતદાતાઓને મળે ત્યારે તેમને સરળતાથી ઓળખી શકે તે હેતુથી આ સુધારો કરાયો છે. મતદાન કેન્દ્રો પર આવનારા મતદારોએ પોતાના મોબાઇલ ફોન મતદાન બુથ બહાર જમા કરાવવા પડશે. અન્ય એક મોટી જાહેરાત તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવાની છે, ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે હવે તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય સંપૂર્ણ મતદાન પ્રક્રિયા પર નજર રાખવાનો અને બોગસ વોટિંગ અટકાવવાનો છે. જેને પગલે તમામ મતદાન મથકો કે બૂથ પર ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સુવિધા પણ રાખવી પડશે. જે વિસ્તારમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નહીં હોય ત્યાં વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી જેવા વિકલ્પો પર વિચાર કરવામાં આવશે.
આ ઉપરાંત અન્ય જે સુધારા કરવામાં આવ્યા છે તે મુજબ હવેથી કોઇ પણ મતદાન બૂથ પર 1200થી વધુ મતદારો નહીં હોય, EVM પર લગાવાયેલા બેલેટ પેપરમાં ઉમેદવારોના રંગીન ફોટો હશે, ઉમેદવારોના નામ મોટા અક્ષરોમાં લખવામાં આવશે કે જેથી મતદારોને સરળતાથી વંચાય. જ્યારે તમામ બૂથ પર મતદાન પ્રક્રિયાનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે ત્યારે કોઇ ગેરકાયદે કે શંકાસ્પદ પ્રવૃત્તિ થતી જણાય તો તુરંત જ પ્રિસાઇડિંગ કે રિટર્નિંગ ઓફિસર અથવા ઓબ્ઝર્વર જરૂરી પગલા લેશે. સુવિધા ટેબલ 100 મીટર દૂર રાખી શકાશે. અગાઉ આ અંતર 150 મીટરનું હતું. અન્ય મહત્વનો સુધારો એ છે કે પોસ્ટલ બેલેટની ગણતરી, EVMની અંતિમ ગણતરીના બે રાઉન્ડ પહેલા પુરી કરવામાં આવશે. હાલમાં આ તમામ સુધારા વધારા બિહારમાં લાગુ કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં દેશભરમાં તેનો અમલ કરવામાં આવી શકે છે. જોકે તેને લઇને કેટલાક રાજ્યોમાં વિરોધ પણ થઇ શકે છે.






