ભાગેડુ મેહુલ ચોકસીને લાગ્યો મોટો ઝટકો, બેલ્જિયમ કોર્ટે ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી ફગાવી
હજારો કરોડ રૂપિયાના બેંકિંગ કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીન

હજારો કરોડ રૂપિયાના બેંકિંગ કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને વિદેશી ધરતી પરથી ભારત લાવવાના પ્રયાસોને મોટી સફળતા મળી છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત, 'કોર્ટ ઓફ કેસેશન' એ મેહુલ ચોક્સીની ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજીને ફગાવી દીધી છે.
કોર્ટના અવલોકનો અને નિર્ણય
બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોક્સીની દલીલોને નબળી ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે પ્રત્યાર્પણ રોકવા માટે ચોક્સી પાસે કોઈ કાનૂની કે તથ્યાત્મક આધાર નથી. કોર્ટે જણાવ્યું કે પ્રત્યાર્પણની આ પ્રક્રિયા ભારતીય કાયદાઓ અને યુરોપિયન માનવાધિકાર ધોરણોને અનુરૂપ છે. આ સાથે કોર્ટે મેહુલ ચોક્સી પર 104 યુરોનો દંડ પણ ફટકાર્યો છે.
ચોક્સીએ શું દલીલ કરી હતી?
ચોક્સીએ દાવો કર્યો હતો કે જો તેને ભારત મોકલવામાં આવશે તો તેને ન્યાયથી વંચિત રાખવામાં આવશે અથવા અમાનવીય વ્યવહાર કરવામાં આવશે. જોકે, કોર્ટે નોંધ્યું કે આ જોખમો સાબિત કરવા માટે ચોક્સી દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અપૂરતા છે. ચોક્સીએ એન્ટિગુઆથી તેના કથિત અપહરણના પ્રયાસો અને મીડિયા કવરેજ જેવી બાબતોને રજૂ કરીને ભારતમાં નિષ્પક્ષ સુનાવણી ન મળવાની દલીલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.
ભારત સરકારની ખાતરી પર કોર્ટને ભરોસો
ભારત સરકારે મેહુલ ચોક્સીની સુરક્ષા, જેલ વ્યવસ્થા, માનવાધિકાર અને તેની મેડિકલ જરૂરિયાતો અંગે બેલ્જિયમ સરકારને અનેક મહત્વની ખાતરીઓ (Assurances) આપી છે. કોર્ટે ભારત સરકારની આ સ્પષ્ટ ખાતરીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ (CBI) ના આરોપપત્ર મુજબ, 13000 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં મેહુલ ચોક્સીએ એકલાએ 6400 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા ધરપકડ વોરંટના આધારે ભારત સરકારે 27 ઓગસ્ટ, 2024 ના રોજ બેલ્જિયમને તેના પ્રત્યાર્પણ માટે વિનંતી મોકલી હતી. આ ચુકાદા બાદ હવે મેહુલ ચોક્સીને ભારત લાવી કાયદાકીય કાર્યવાહી હેઠળ લાવવાનો માર્ગ વધુ મોકળો બન્યો છે.






