Video: સાડા ચાર વર્ષ પહેલાં એક મોકો માંગ્યો હતો અને બદલામાં આપ્યો દગો': કેજરીવાલ-માન સરકાર પર કોંગ્રેસ પ્રભારી લાલઘૂમ!

પંજાબ કોંગ્રેસના પ્રભારી સચિન પાયલટે સંગરૂરમાં યોજાનારી પાર્ટીની મહારેલી પૂર્વે સત્તારૂઢ આમ આદમી પાર્ટી પર આકરા રાજકીય પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજ્યની જનતાએ જે આશા સાથે આમ આદમી પાર્ટીને તક આપી હતી, તેના બદલામાં રાજ્યને માત્ર વિશ્વાસઘાત અને અંધકાર મળ્યો છે.
સંગરૂરમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેનું શક્તિપ્રદર્શન
પાયલટે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલે સંગરૂરમાં એક વિશાળ જનસભા (રેલી)નું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિશેષ ઉપસ્થિત રહેશે અને જનતાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ પંજાબમાં કોંગ્રેસના આક્રમક ચૂંટણી અભિયાનનો પાયો નાખશે.
'સાડા ચાર વર્ષમાં માત્ર દગો મળ્યો': પાયલટ
આમ આદમી પાર્ટી સરકારના કાર્યકાળ પર નિશાન સાધતાં સચિન પાયલટે કહ્યું, “સાડા ચાર વર્ષ પહેલાં AAP એ જનતા પાસે એક તક માંગી હતી, પરંતુ બદલામાં પંજાબની જનતાને ફક્ત દગો અને વિશ્વાસઘાત જ મળ્યો છે. આ સરકારે રાજ્યને ઘોર અંધકારમાં ધકેલી દીધું છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આજે આમ આદમી પાર્ટીના પોતાના અગ્રણી નેતાઓ પણ પક્ષ છોડીને જઈ રહ્યા છે.”
પંજાબને ફરી પાટા પર લાવવાનો કોંગ્રેસનો સંકલ્પ
રાજ્યની કથળતી કાયદો-વ્યવસ્થા અને વહીવટી નિષ્ફળતાઓ તરફ ઈશારો કરતાં તેમણે ઉમેર્યું કે, પંજાબની જનતા હવે આ સરકારના જૂઠાણાંથી કંટાળી ગઈ છે. કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ જવાબદારી સાથે પંજાબને ફરીથી પ્રગતિ અને વિકાસના પાટા પર લાવવાનું કાર્ય હાથમાં લેશે. સંગરૂરની રેલીથી રાજ્યમાં પરિવર્તનની લહેર શરૂ થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.













