VIDEO : સૂરોનો અમર અવાજ 'આશા' પંચતત્ત્વમાં વિલિન, પુત્રએ આપ્યો મુખાગ્નિ
દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. આશા ભોંસલેના પુત્ર આન

દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. આશા ભોંસલેના પુત્ર આનંદ ભોંસલેએ અંતિમ સંસ્કાર કર્યા. આશા તાઈનો પડઘો આ દુનિયામાં હંમેશા રહેશે. ભલે તેમના નશ્વર દેહ પંચભૂતમાં ભળી ગયો. તેમનો અમર અવાજ લાકો દિલોમાં ગુંજતો રહેશે. તેમની અંતિમ વિદાય નિઃશંકપણે એક યુગનો અંત દર્શાવે છે, તેમણે ગાયેલા ગીતો તેમને આવનારી પેઢીઓ માટે અમર રાખશે.
સીએમ દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યના નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને સુનેત્રા પવારે શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને અંતિમ શ્રદ્ધાંજલિ આપી.
જણાવી દઈએ કે, સવારે તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મુંબઈ સ્થિત નિવાસસ્થાન 'કાસા ગ્રાન્ડ' ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં અનેક બૉલીવુડ અને રાજકીય હસ્તીઓએ તેમણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમને તિરંગામાં લપેટીને સલામી આપવામાં આવી હતી.
મોક્ષ રથને તેમના પસંદના ફૂલોથી શણગારવામાં આવ્યો
તેમની અંતિમ યાત્રા માટે 'મોક્ષ રથ' સજાવવામાં આવ્યો છે. આશા તાઈને સફેદ અને પીળા રંગના ફૂલો પસંદ હતા, તેથી મોક્ષ રથને રજનીગંધા અને ગલગોટાના પીળા ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. આશા ભોસલેએ તેમની 82 વર્ષના સિંગિંગ કરિયરમાં 9 ફિલ્મફેર સહિત 100થી વધુ એવોર્ડ જીત્યા હતા. તેમને દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સંગીત પ્રેમીઓ અને ફિલ્મ જગત માટે આ એક અત્યંત દુઃખદ ક્ષણ છે. તેમના નિવાસસ્થાનેથી શરૂ થયેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ચાહકો, બોલિવૂડની હસ્તીઓ અને રાજકીય નેતાઓ જોડાયા હતા. શિવાજી પાર્ક ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.







